વર્તમાન ત્રિમાસિકગાળામાં અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનામાં સૌથી મોટો છ ટકાનો ઘટાડો સોનામાં ₹ ૨૯૬ની પીછેહઠ, ચાંદી ₹ ૧૦૫૦ ઘટીને ₹ ૫૯,૦૦૦ની અંદર

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનામાં ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે ભાવઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન ત્રિમાસિકગાળામાં અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનામાં છેલ્લાં પાંચ ત્રિમાસિકગાળાનો સૌથી વધુ ૬ ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો છે.
વધુમાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે બન્ને કીમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૫થી ૨૯૬નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૦૫૦ ઘટીને રૂ. ૫૯,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૧૦૫૦ના ઘટાડા સાથે રૂ. ૫૮,૮૦૩ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી પાંચ પૈસાનો સુધારો આવતા સોનાની આયાત પડતરમાં થયેલો ઘટાડો અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૫ ઘટીને રૂ. ૫૦,૬૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૬ ઘટીને રૂ. ૫૦,૮૬૩ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને અંકુશમાં લાવવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા અને પ્રવાહિતા ઓછી થવાને કારણે ડૉલરમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૫ ટકા ઘટીને ૧૮૦૮.૬૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ૧૮૧૦.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ પ્રવર્તી રહ્યા હોવાનું સિટી ઈન્ડેક્સના વરિષ્ઠ એનાલિસ્ટ મેટ્ટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે હાલ ડૉલર ઈન્ડેક્સ બે દાયકાની ઊંચી સપાટીએ છે અને છેલ્લા ત્રિમાસિકગાળામાં ડૉલરમાં પાંચ વર્ષનો સૌથી મોટો સુધારો જોવા મળ્યો છે. આમ ફુગાવા તથા આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર હોવા છતાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને કારણે સોનામાં તેજી રૂંધાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.