ચાંદીનાં ડૉર, બાર્સ અને ચાંદીની ચીજો પરની કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરવાનો પ્રસ્તાવ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની નિર્ણાયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા ધોરણે અને વાયદામાં ભાવ સાધારણ ૦.૧ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૨૩નું અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૯થી ૫૬૧નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ચાર પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે અંદાજપત્રના પ્રસ્તાવોમાં સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સોના અને પ્લેટિનમની જેમ ચાંદીનાં ડૉર, બાર્સ અને અને તેની ચાંદીની ચીજો પરની આયાત જકાતમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષના આરંભે સોના અને પ્લેટીનમના ડૉર અને બાર્સની ડ્યૂટીમાં વધારો કરવામાં કરવામાં આવ્યો હતો. નાણા પ્રધાનના આ પ્રસ્તાવ અંગે જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે ચાંદીના ડૉર અને બાર્સની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં વધારો થવાથી સ્થાનિકમાં ઉત્પાદિત થયેલા આભૂષણોના અંતિમ ભાવમાં વધારો થવાથી સ્થાનિક રિફાઈનરો સામે પડકાર ઉભા થશે.
દરમિયાન આજે મધ્યસત્ર દરમિયાન સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૨૩ વધીને રૂ. ૬૮,૭૯૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય સોનામાં પણ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૯ વધીને ફરી રૂ. ૫૭,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૫૭,૧૯૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬૧ વધીને રૂ. ૫૭,૪૨૬ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની સમાપન થતી બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ જાળવી રાખતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૧૯૨૭.૭૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૪૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૩.૭૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. જોકે, આગામી ગુરુવારે બૅન્ક ઑફ ઈંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો અને આજે ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.