મુંબઈ: દેશમાં ફુગાવાલક્ષી દબાણ ઘટવા ઉપરાંત આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સુધારો, ગઈકાલે ઈક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી અને ક્રૂડ પામતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન વીસ પૈસાનો સુધારો જોવા મળ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૬૦ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૨.૬૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૭૧ અને ઉપરમાં ૮૨.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસા વધીને ૮૨.૪૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે ગઈકાલે અમેરિકા ખાતે નવેમ્બર મહિનાનો ફુગાવો ઑક્ટોબર મહિનાના ૭.૭ ટકા સામે ઘટીને ૭.૧ ટકાની સપાટીએ રહેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી રાખે તેવી શક્યતા પ્રબળ થતાં આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૮ ટકા ઘટીને ૧૦૩.૬૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨૬ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. વધુમાં વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૪૪.૬૧ પૉઈન્ટનો અને ૫૨.૩૦ પૉઈન્ટનો સુધારો આવ્યાના અહેવાલ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૧૯.૯૨ કરોડની લેવાલી રહેતાં રૂપિયામાં સુધારાને વધુ પ્રેરકબળ મળ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.