(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયન વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૧૭ પૈસા વધીને ૮૧.૧૯ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સત્ર દરમિયાન એક તબક્કે ડૉલર સામે રૂપિયામાં ૨૭ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ક્રૂડતેલના ભાવ વધી આવતા રૂપિયામાં આંશિક સુધારો ધોવાઈ ગયો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૩૬ના બંધ સામે સુધારાના ટોને ૮૧.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૨૮ અને ઉપરમાં ૮૧.૦૯ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૭ પૈસા વધીને ૮૧.૧૯ના મથાળે બંધ રહ્યો હતો.
ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૯૯.૯૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ તેમ જ એશિયન ચલણો સામે ડૉલર નબળો પડતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુરાગ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ ઓપન માર્કેટ કમિટી આગામી નીતિવિષયક બેઠકમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતાએ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૬.૬૬ પૉઈન્ટનો અને ૮૦.૨૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૮ ટકા વધીને બેરલદીઠ ૮૬.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.