ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના બંધ સામે ૧૩ પૈસાના સુધારા સાથે ૭૯.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
ગત મંગળવારે મોહર્મની જાહેર રજા બાદ આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના ૭૯.૬૩ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૫૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૫૯ અને ઉપરમાં ૭૯.૪૧ સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધથી ૧૩ પૈસાના સુધારા સાથે ૭૯.૫૦ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. ૧૪૪૯.૭૦ કરોડની લેવાલી રહેતાં આજે એશિયન ચલણોમાં ખાસ કરીને રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે આજે મોડી સાંજે અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા ઘટીને ૧૦૬.૧૮ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧૦ ટકા ઘટીને બેરલદીઠ ૯૫.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૫.૭૮ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૯.૬૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.