રૂપિયો નબળો પડતાં સોનામાં ₹ ૮૬નો સુધારો, ચાંદી રૂ. ૩૦ વધી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૩૮ પૈસા નબળો પડીને ૭૯.૩૩ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતર વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦નો ધીમો સુધારો આગળ વધ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલ ડૉલરની મજબૂતી અને રૂપિયાની નબળાઈને કારણે સ્થાનિક અને વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવમાં સામસામા રાહ જોવા મળી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી અત્યંત ખપપૂરતી રહે છે. આજે ખાસ કરીને રૂપિયો નબળો પડતાં આયાત પડતરોમાં વધારો થતાં હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૦૯૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૩૦૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૦ વધીને રૂ. ૫૮,૧૫૩ના મથાળે
રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા વચ્ચે ડૉલર ઈન્ડેક્સ વધીને બે દાયકાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં રોકાણકારોની સોનામાં નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૦૧.૨૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૮૦૦.૮૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યાં હતાં, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની ચિંતા અને વ્યાજદર વધતાં બજારમાં પ્રવાહિતામાં ઘટાડો અને તેને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ સપાટી પર હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૯૦થી ૧૮૩૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા એસપીઆઈ એસેટ્સ મૅનેજમેન્ટ્સના મૅનેજિંગ પાર્ટનર સ્ટીફન ઈન્સે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામાન્યપણે આર્થિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ ડૉલર ઈન્ડેકસની મજબૂતી સોનામાં નવી રોકાણલક્ષી માગ રૂંધી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.