રાજકોટમાં પોલીસકર્મીની લુખ્ખાગીરી: ઈંડાની લારીએ નાસ્તો કર્યા બાદ માલિકે રૂપિયા માંગતા માર માર્યો, 12 વર્ષના માસુમને પણ ધોકા માર્યા

આપણું ગુજરાત

ખાખી વર્દીને શરમાવે એવી કરતૂતો માટે રાજકોટ પોલીસ પંકાયેલી હોવાનું માનવામાં આવે છે. જમીન દબાણમાં કમીશન, લાંચ, બનાવટી પુરાવાઓના કોભાંડ બાદ રાજકોટ પોલીસના જવાનની વધુ એક નિંદનીય ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે ક્રાઇમ બ્રાંચનો પોલીસ જવાન તેના સાત મિત્ર સાથે હેમુગઢવી હોલ પાસે ઇંડાંની લારીએ નાસ્તો કરવા આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ ઇંડાંની લારીના માલિકે પૈસા માગતાં મફતમાં ખાવા ટેવાયેલા અભિમાની પોલીસકર્મીએ તેને ગાળો બોલી માર માર્યો હતો. એટલું જ નહિ લારીના માલિકના 12 વર્ષના દિકરાની પણ બેરહેમીપૂર્વક પીટાઈ કરી હતી અને લારીમાં તોડફોડ કરી હતી.
મળતી માહિતી મુજબ હેમુ ગઢવી હોલ પાસે રઝાકભાઈ પીપરવાડિયા લારી ઉભી રાખી ઈંડાના નાસ્તાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. રવિવારે મોડી રાત્રે રઝાકભાઈ અને તેમનો 12 વર્ષનો દીકરો લારીએ હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ધમભા ઝાલા અન્ય પાંચ-સાત મિત્રો સાથે લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. ભરપેટ નાસ્તો કર્યા બાદ તેઓ રૂપિયા આપ્યા વગર જવા લાગ્યા હતા ત્યારે રઝાકભાઈએ રૂપિયા માંગતા પોલીસકર્મી ગુસ્સે ભરાયો હતો અને મારપીટ ચાલુ કરી હતી. તેની સાથે આવેલા તેના મિત્રોએ પણ લારીમાં તોડફોડ ચાલુ કરી હતી. એટલું જ નહિ રઝાકભાઈના 12 વર્ષના પુત્ર હૈદરને પણ ધોકાના ઘા માર્યા હતા. લારીમાં રહેલ ઈંડા સહીત અન્ય સામગ્રીઓ રસ્તા પર ફગાવી દીધી હતી.
પિતા રઝાકભાઈ ઘાયલ પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. ન્યાય માટે પરિવારજનોએ સવારના 5 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ધામાં નાખ્યા હતા, છતાં આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.