સરકાર અને મનપાના વાયદાઓ છતાં રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. શહેરમાં રખડતા ઢોરને કારણે થતા અકસ્માતના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. ત્યારે આજે એક રખડતી ગાયે 2 મહિલા પોલીસને અડફેટે લીધા હતા. એક મહિલા પોલીસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમના ચાર દાંત તૂટી ગયા છે. હાલ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂરી કરી પૂજા સદાદિયા અને ગાયત્રી દેવમુરારી તથા તેમની સાથે અન્ય બે મહિલા પોલીસકર્મી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બાઈક પર જઈ રહેલા મહિલા પોલીસ કર્મીઓને એક રખડતી ગાયે અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા. જેને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ગાયત્રીબેને હેરલાઇન ફેક્ચર થયું છે અને તેમના ચાર-પાંચ દાંત પણ તૂટી ગયા છે.
ઉલ્લેખનીય છે કે હજુ 8 દિવસ પહેલા શહેરના ભોમેશ્વર વિસ્તારમાં એક નિવૃત્ત સૈનિક અને તેની પુત્રીને રખડતી ગાયે અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા નિવૃત સૈનિકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ મનપાએ નક્કર કામગીરી કરવાના દાવા કર્યા હતા. ત્યારે આજે ફરી બનેલી આ ઘટના તંત્રની કામગીરીની પોલ ખોલે છે.
રાજકોટમાં રખડતી ગાયે બાઈક પર જતા બે મહિલા પોલીસકર્મીને અડફેટે લીધા
RELATED ARTICLES