ત્રિપુટી તરખાટની તૈયારીમાં

મેટિની

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

ભારતીય સંસ્કૃતિમાં ત્રિવેણી સંગમનું વિશિષ્ટ મહત્ત્વ છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને ગંગા-યમુના-સરસ્વતી એનાં લાક્ષણિક ઉદાહરણ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ દિલીપ-રાજ-દેવની ત્રિપુટીનો દબદબો જગજાહેર છે. ત્રણ કિરદારવાળી ‘અમર અકબર એન્થની’ અને ‘થ્રી ઈડિયટ્સ’ (રેન્ચો-ફરહાન-રાજુ)થી પણ સિનેપ્રેમીઓ વાકેફ હશે અને લવ ટ્રાયેન્ગલ (બે હિરોઈન એક હીરો – ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ તો પાગલ હૈ’ અથવા બે હીરો એક હિરોઈન – ‘સંગમ’, ‘સાગર’ વગેરે) પણ સ્મરણમાં હશે. શંકર-એહસાન-લોયનું સંગીત પણ માણ્યું હશે અને સત્યજિત રાયની અપુ ટ્રિલોજી (‘પાથેર પાંચાલી’, ‘અપરાજિતો’ અને ‘ધ વર્લ્ડ ઓફ અપ્પુ’) તેમ જ રાજ ખોસલાની સાધના સાથેની ત્રણ સસ્પેન્સ ફિલ્મના પેકેજ (‘વો કૌન થી’, ‘મેરા સાયા’ અને ‘અનિતા’)નો પણ આનંદ લીધો હશે. આવતા વર્ષે – ૨૦૨૩માં ખાન ત્રિપુટીનું લેબલ ધરાવતા આમિર-સલમાન-શાહરુખની ફિલ્મ રજૂ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે ૩૪ વર્ષમાં માત્ર બે જ વખત એવું બન્યું છે કે એક જ વર્ષમાં ત્રણેય ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરવામાં – બ્લોકબસ્ટર સાબિત થવામાં સફળ રહી હોય. શું ૨૦૨૩માં સાથે ધમાકેદાર સફળતા મેળવી ૧૬ વર્ષ પછી આ અનોખી સિદ્ધિ ત્રીજી વાર મેળવી શકશે કે કેમ એ સવાલ ફિલ્મરસિયાઓના દિમાગમાં ફરી વળ્યો છે.
ફિલ્મ ઈતિહાસના અભ્યાસુએ આપેલી માહિતી અનુસાર ખાન ત્રિપુટીની ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થઈ હોય એવાં કેટલાંક ઉદાહરણ છે ખરાં, પણ ત્રણેયની ફિલ્મે એક જ વર્ષમાં બોક્સ ઓફિસ પર તિજોરી છલકાવી દીધી હોય એવો પહેલો પ્રસંગ ૧૯૯૫માં અને બીજો ૨૦૦૭માં બન્યો હતો. ૧૯૯૫માં શાહરુખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, સલમાનની ‘કરણ અર્જુન’ જેમાં શાહરુખ પણ હતો અને આમિરની ‘રંગીલા’નો સમાવેશ હતો. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ૫૦ કરોડથી વધુ ચોખ્ખો નફો રળી શકી હતી, જ્યારે ‘કરણ અર્જુન’ અને ‘રંગીલા’ ૨૦ કરોડથી વધુ ચોખ્ખો નફો કરી લેવામાં સફળ રહી હતી. કમાણીના આ આંકડા આજના ૨૦૦-૫૦૦-૧૦૦૦ કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સામે વામણા લાગે, પણ વળતરની દૃષ્ટિએ એ આજની ફિલ્મો સાથે ખભેખભા મિલાવી શકે એવા કે ટક્કર મારે એવા નિ:શંક છે. આ સફળતાનાં ૧૨ વર્ષ પછી ૨૦૦૭માં ખાન ત્રિપુટીએ ફરી એક વાર નિર્માતાનું બેન્ક બેલેન્સ તગડું કરી દીધું. એ વર્ષે આમિરની ‘તારે ઝમીં પર’, સલમાનની ‘પાર્ટનર’ અને શાહરુખની ‘ઓમ શાંતિ ઓમ’ તેમ જ ‘ચક દે ઈન્ડિયા’ને દર્શકોએ વધાવી લીધી હતી. ફિલ્મ ટ્રેડની માહિતી અનુસાર ત્રણેય ફિલ્મ ૫૦ કરોડથી વધુ પ્રોફિટ કરવામાં સફળ રહી હતી. ૨૦૨૩ની વાત કરીએ તો આમિરની ‘ટૂ બ્રાઇડ્સ’ અને સ્પેનિશ ફિલ્મ ‘Champions’ની રિમેક રજૂ થવાની સંભાવના છે. અલબત્ત, એની સત્તાવાર જાહેરાત હજી નથી થઈ. ‘ટૂ બ્રાઇડ્સ’ કિરણ રાવની છે જેમાં આમિર મુખ્ય નહીં પણ મહત્ત્વ ધરાવતા પાત્રની ભૂમિકા કરી રહ્યો છે. સલમાનની ‘ટાઈગર થ્રી’ અને ‘કભી ઈદ કભી દિવાલી’ – નવું નામ ‘ભાઈજાન’ (ડિસેમ્બર, ૨૦૨૨) રિલીઝ થશે. શાહરુખ ખાનની ‘પઠાણ’ અને ‘જવાન’ આવશે. હા, રાજકુમાર હીરાણીની ફિલ્મ છે, પણ એ ડિસેમ્બરના અંતમાં રિલીઝ થશે એટલે એ બ્લોકબસ્ટર સાબિત થાય છે કે કેમ એ તો ૨૦૨૪માં જ ખબર પડે. બીજી એક વાત વાયુવેગે ફેલાઈ છે કે ‘ગજની’વાળા એ. આર. મુરુગાદોસની આગામી ફિલ્મમાં સલમાન-શાહરુખ સાથે કામ કરતા જોવા મળશે. અલબત્ત, આ વાતની સત્તાવાર જાહેરાત થાય ત્યારે સાચું અને કહાણીમાં ટ્વિસ્ટ આવે અને આમિર પણ આ ફિલ્મ કરે તો મૌજા હી મૌજા. અલબત્ત, આજની તારીખમાં આ શેખચલ્લીના વિચારથી વિશેષ કંઈ નથી. ખાન ત્રિપુટીના ત્રણ દાયકાની ફિલ્મ સફર પર એક નજર.
આમિર ખાન: સૌથી સિનિયર ખાન એવા મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરની પહેલી ફિલ્મ હતી ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮). પહેલી ફિલ્મને સારો આવકાર મળ્યા બાદ ૧૯૮૯માં એની અન્ય બે ફિલ્મ ‘રાખ’ અને ‘લવ લવ લવ’ રિલીઝ થઈ, પણ ન તો એને
ખાસ સફળતા મળી કે ન તો એની કોઈ વિશેષ નોંધ લેવામાં આવી. ૧૯૯૦-૯૯ના દાયકામાં મિસ્ટર પરફેક્શનિસ્ટની ૨૩ ફિલ્મ રજૂ થઈ હતી. ત્યાર બાદ વર્ષમાં એક ફિલ્મનો નિયમ લેનાર આ અભિનેતાની ૨૦૦૦-૨૦૧૯ના બે દાયકાની ફિલ્મનો સરવાળો પહેલા દાયકા કરતાં પણ ઓછો. આ દાયકામાં તો ‘લાલ સિંહ ચઢ્ઢા’ પ્રથમ ફિલ્મ સાબિત થશે. આ ઉપરાંત પુત્ર જુનૈદ ખાનની વેબ સિરીઝ ‘પ્રીતમ પ્યારે’માં એક મહત્ત્વના રોલમાં જોવા મળશે.
સલમાન ખાન: ત્રણેય ખાનમાં સૌથી બિઝી એક્ટર. ૧૯૮૯માં ‘બીવી હો તો ઐસી’ અને ‘મૈંને પ્યાર કિયા’થી શરૂઆત અને ૧૯૯૦-૨૦૧૯ના ત્રણ દાયકામાં ૧૦૦થી વધુ ફિલ્મ ભાઈજાને કરી છે. ૨૦૦૬-૨૦૦૮ એ ત્રણ વર્ષ દરમિયાન ફ્લોપ ફિલ્મો આપનાર અભિનેતા ‘વોન્ટેડ’ (૨૦૦૯) પછી ફરી ડિમાન્ડમાં આવી ગયો. અલબત્ત, ૨૦૨૧નું વર્ષ એને માટે સારું નથી રહ્યું. પ્રભુ દેવાની ‘રાધે’ અને મહેશ માંજરેકરની ‘અંતિમ’ ફિક્કી સાબિત થઈ છે. આમ ૨૦૨૩ એને માટે મહત્ત્વ ધરાવે છે.
શાહરુખ ખાન: ત્રણેય ખાનમાં મોડી (‘દીવાના’ – ૧૯૯૨) શરૂઆત કરનાર કિંગ ખાને આઠ વર્ષમાં ત્રીસેક ફિલ્મ કરી અને પછીના બે દાયકામાં પચાસેક ફિલ્મ કરી ગ્લેમરમાં સલમાનને પાછળ રાખી કિંગ ખાન બની ગયો. ૨૦૧૮ની સુપરફ્લોપ ‘ઝીરો’ પછી કિંગ ખાનની એકપણ ફિલ્મ નથી આવી. મહત્ત્વની વાત એ છે કે તેને સફળતાના સિંહાસન પર બેસાડનાર રાજ-રાહુલનાં પાત્રોને તેણે ટાટા-બાય બાય કરી દીધું છે. હિરોઈન સાથે રોમેન્સ કરવાને બદલે હવે ઉંમરને છાજે એવા રોલ કરવાને પ્રાધાન્ય આપી રહ્યો છે. અલબત્ત, આ વર્ષે ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં નજરે પડશે, પણ મહેમાન કલાકાર જેવી એની ભૂમિકા હશે. ૨૦૨૩ની ‘પઠાણ’ સાથે એની નવી ઈનિંગ્સની શરૂઆત થશે એવી અપેક્ષા રાખી શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.