એસી લોકલ દોડાવવા સામે કલવામાં પ્રવાસીઓએ કર્યું વિરોધ-પ્રદર્શન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

 બળપ્રયોગ કરીને પોલીસે પ્રદર્શનકારીઓને ટ્રેક પરથી હટાવ્યા, બીજે દિવસે ટ્રેનસેવા પર અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં શુક્રવારથી વધુ ૧૦ એસી લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી એસી લોકલના બદલે નોન-એસી લોકલ ચાલુ રાખવા મુદ્દે કલવા સ્ટેશને સેંકડો પ્રવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરિણામે સવારના લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી.
શુક્રવારથી બદલાપુર/થાણે-સીએસએમટી સેક્શનમાં વધુ દસ એસી લોકલ ચાલુ કરવામાં આવી હતી. થાણે સ્ટેશન માટે એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવનારી હતી, જે કલવા કારશેડમાંથી ઉપાડી ત્યારે સેંકડો પ્રવાસીઓ રેલવે ટ્રેક પર ધસી જઈને ટ્રેનને અટકાવી હતી. કલવા કારશેડમાંથી ખાલી એસી લોકલ ટ્રેનને થાણે માટે રવાના કરવામાં આવી ત્યારે સવારના ૮.૧૦ વાગ્યાના સુમારે સેંકડો પ્રવાસીઓ ટ્રેક પર ધસી જઈને ટ્રેનને રોકી હતી. રેલવેના કર્મચારીઓ અને પોલીસની મદદથી ટ્રેક પરથી વિરોધીઓને હટાવીને ૮.૩૦ વાગ્યાના સુમારે ખાલી એસી ટ્રેનને થાણે રવાના કરી હતી. રેલવે ટ્રેક પર અનેક પ્રવાસીઓએ એસી લોકલના બદલે નોન-એસી લોકલ દોડાવવાનાં સૂત્રોચ્ચાર સાથે રેલવે પ્રશાસનનો વિરોધ નોંધાવ્યો હતો, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
કલવા રેલવે પ્રવાસી સંગઠનના એક સભ્યએ કહ્યું હતું કે બદલાપુર, અંબરનાથ, કલ્યાણ, ડોંબિવલીથી સીએસએમટી વચ્ચે લોકલ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે છે, જેમાં પ્રવાસીઓની સંખ્યામાં નિરંતર વધારો થાય છે. જોકે, વધતી ટ્રેનોની સંખ્યા સાથે અકસ્માતો વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ ભોગ દિવા, કલવા અને મુમ્બ્રાના રહેવાસીઓ બને છે. બદલાપુર/અંબરનાથ/ટિટવાલા-સીએસએમટીની ટ્રેનો એટલી ભીડવાળી હોય કે ટ્રેનમાં ઘૂસવા પણ મળતું નથી. સાત મહિનામાં ૧૪૭ રેલવે અકસ્માત નોંધાયા છે, જેમાં સૌથી વધુ લોકો ભોગ અહીંના રહેવાસીઓ બને છે. શુક્રવારથી ૧૦ એસી લોકલ ચાલુ કરવામાં આવી અને તેની સામે નોન-એસી લોકલ બંધ કરી છે, તેથી તેનો સીધો ફટકો સામાન્ય પ્રવાસીઓને પડે છે. આ મુદ્દે રેલવેના ઉચ્ચ અધિકારીઓને ભલામણ કરી છે કે ટ્રેનોની સંખ્યા વધારવાની સાથે પાંચમી-છઠ્ઠી લાઈનનો ઉપયોગ ફક્ત લોકલ ટ્રેન માટે કરવામાં આવે તો જ પ્રવાસીઓને ફાયદો થાય. શુક્રવારે તો ઔપચારિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તથા આ મુદ્દે રેલવે યોગ્ય નિર્ણય લેશે નહીં તો વધુ આક્રમક વલણ દાખવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ મુદ્દે થાણે રેલવે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કલવામાં સવારે આઠ વાગ્યાના સુમારે પ્રવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.