OMG! બાળક ઉઠાવી જનારા હોવાની શંકા કરીને સાધુઓને માર મારવામાં આવ્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ચાર સાધુઓને લોકોના ટોળા દ્વારા માર મારવાની ઘટના નોંધાઇ હતી. તેઓ બાળક ઉઠાવી જનારા હોવાની શંકા કરીને ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. કેટલાક લોકો સાધુઓને લાકડીઓથી મારતા હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. આ ઘટના જિલ્લાના લવાણા ગામની છે. લાકડીઓથી સજ્જ એક ટોળું અનેક લોકોની હાજરીમાં કરિયાણાની દુકાનની બહાર સાધુઓને મારતું જોવા મળ્યું હતું.

“>

સાંગલીના જાથ તાલુકામાં લવાંગા ગામ નજીક મંગળવારે બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસે છ લોકોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સાધુઓએ ફરિયાદ નોંધાવી ન હતી અને પોલીસની હાજરીમાં સ્થળ છોડી દીધું હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં એક ‘અખાડા’ના સભ્યો હતા. પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓએ સુઓમોટો સંજ્ઞાન લીધું હતું અને 18 થી 20 લોકો સામે કેસ નોંધ્યો હતો, જેમાંથી છ લોકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટનાની વિગત આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર સાધુઓ એક વાહનમાં પડોશી સોલાપુર જિલ્લામાં પંઢરપુર જઈ રહ્યા હતા. તેઓ રસ્તો ભૂલી જતા લવાંગા ગામ પાસેના પાવર હાઉસ સ્ટેશન પર એક છોકરા પાસે પહોંચ્યા. આ છોકરો કન્નડ સિવાય બીજી કોઈ ભાષા જાણતો ન હતો. છોકરો તેમનો દેખાવ જોઈને ડરી ગયો અને ‘ચોર-ચોર’ બૂમો પાડવા લાગ્યો હતો. આનાથી કેટલાક સ્થાનિકોને શંકા થઈ કે તેઓ બાળકોનું અપહરણ કરતી ગુનાહિત ગેંગનો ભાગ છે. ગામના લોકો ત્યાં એકઠા થયા અને સાધુઓને પકડી લીધા. તેમને લાકડીથી માર મારવામાં આવ્યો.
ભાજપના વિધાનસભ્ય રામ કદમે આ ઘટના બાદ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે અમે સાંગલીમાં સંતો સાથે થયેલા દુર્વ્યવહારની સખત નિંદા અને ટીકા કરીએ છીએ. અમે સાધુઓ સાથે આ પ્રકારનું ગેરવર્તન સહન નહીં કરીએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
2020ની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “પાલઘરમાં સાધુઓની હત્યાના મામલામાં તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરકારે તેમની સાથે અન્યાય કર્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની વર્તમાન સરકાર કોઈપણ સાધુને અન્યાય થવા દેશે નહીં.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.