જિંદગીમાં બધું એવું નથી થતું જે આપણને ગમે, એવું પણ થાય જે આપણે ગમાડવું પડે

મેટિની

અરવિંદ વેકરિયા

મેં ફોન પર પૂછ્યું, ‘હેલ્લો, કોણ?’
સામેથી જવાબ આવ્યો, ‘દાદુ, હું ઘનશ્યામ નાયક.’
આ ઘનશ્યામ નાયક એટલે જેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘નટુકાકા’ તરીકે ન ભુલાય એવી યાદ મૂકી ગયા. થોડા વખત પહેલાં જ એમનું નિધન થયું. એમનો આ સમયે મને ફોન આવતાં અચરજ થયું.
એમણે કહ્યું, ‘આમ બેઠાં બેઠાં ટેલિફોન નંબર લખેલી ડાયરીનાં પાનાં ફેરવતો હતો, ત્યાં તારાં નામ-નંબર વાંચ્યાં, થયું કે તને ચકરડું ઘુમાવું. ડિસ્ટર્બ તો નથી કર્યોને?’ મેં કહ્યું, ‘જરા પણ નહિ. હુકમ કરો.’ પછી જરા ઢીલા અવાજે એમણે કહ્યું કે… ‘દોસ્ત, સ્ટ્રગલ હજી ચાલુ જ છે. ઘણા વખતથી નાટક નથી કર્યું. હવે તો કોઈ સિરિયલ પણ હાથમાં નથી. એ બાબત કોઈ નિર્માતાનો ફોન પણ નથી આવતો. ડિપ્રેસ તો નહિ, પણ થોડો અપસેટ જરૂર થઇ ગયો છું. કદાચ મારી કંઈ ભૂલ હોય અથવા લોકો મને જોવા ન માગતા હોય (હાસ્ય) ઈશ્ર્વર જાણે! જાણું છું દુખના દસ્તાવેજ હોય છે અને સુખની વસિયત, પણ જો ધ્યાનથી જોઈએ તો આપણા જ હસ્તાક્ષર નીકળે. જવા દે એવી નકારાત્મકતા… તારી યાદ આવી ગઈ એટલે ફોન કર્યો. તું કોઈ નાટક કરતો હોય અને મારે લાયક કંઈ હોય તો કહેજે. આ હું તને હકથી કહી શકું એટલે ફોન કર્યો. (આવો હક મેં ઈમ્તિયાઝ પટેલને બતાવેલો પણ…) બાકી મારો ઈશ્ર્વર જાણે છે કે હું કોઈને આવી વાતો ન કરું એ તું પણ જાણે છે. આપણો ખરાબ સમય ચૂપ રહીને વિતાવી દેવાનો, બાકી દુનિયાને ખબર પડશે તો મજાક બનાવી દેતાં વાર નહિ લગાડે.’
મેં કહ્યું કે ‘એક રોલ છે, જે નાટક હું કરી રહ્યો છું એમાં. હા, બજેટ થોડું ઓછું છે. તમારા જેવા અનુભવીને હું એ રકમ કઈ રીતે કહું? મને પોતાને સંકોચ થાય છે.’
‘જો દાદુ, જીવનમાં આવતા તડકાને સહન કરતાં હું શીખી ગયો છું. હું જાણું છું કે એ છોડ મોટે ભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાંયામાં થયો હોય! બજેટની વાત મૂક, મારે ફરી તખ્તે પ્રવૃત્ત થવું છે. મને ખાતરી છે કે મને શરમમાં મૂકે અને તું પણ સંકોચાય એટલી કે એવી રકમ તો નહિ જ હોય. તું તારા બજેટ મુજબ જે આપીશ એ પ્રેમે સ્વીકારીશ અને તારો ઋણી રહીશ, દોસ્ત!’
એમની વાતથી હું લાગણીવશ થઇ ગયો. મેં કહ્યું, ‘અરે ઘનશ્યામભાઈ, આવું પ્લીઝ ન બોલો. રોલ છે જ… અને સંબંધ પણ આપણા નક્કર જ છે… આજના નહિ વર્ષોના. હું ખોટી વાત નથી કરતો, જુઓ, માળાનાં વખાણ સૌ કોઈ કરે છે, કારણ બધાને મોતી જ દેખાય છે. એ દોરાનાં વખાણ કરો જે બધાને જોડી રાખે છે. આપણા સંબંધોનું એવું જ છે. તમે સમયસર ફોન કર્યો છે. આવતા અઠવાડિયે રિહર્સલ શરૂ કરવાના છીએ. બે પાત્રો માટે અટકેલાં. આ કદાચ કુદરતનો કોઈ સંકેત જ હશે કે આપણા સંબંધને વધુ ગાઢ બનાવવા હું યાદ આવી ગયો. રાધર તમારી ટેલિફોન બુકમાં મારા નામ પર આંગળી પડી ગઈ અને એ આંગળી ડાયલ પર ગઈ અને મારો નંબર ફેરવાઈ ગયો. તમને ખોટું લાગે એવી ખોટી રકમ તમારા કવરમાં નહિ હોય. આપણે એ ગણિતમાં પડવું જ નથી. વસ્તુ હોય કે સંબંધ, વિકલ્પ વધે એટલે કિંમત ઘટી જાય. આપણી મિત્રતા તો વર્ષોથી છે, આ નાટકથી વધુ ખીલશે. હવે ક્યારે અને ક્યાં મળવું એ હું તમને જણાવીશ.’
‘થેંક યુ દોસ્ત… મેં મારા ચાલતા સમયનું સત્ય તને ટૂંકમાં જણાવી દીધું. ફકરા અસત્યના હોય, સત્ય તો બે લીટીનું જ હોયને? મને જણાવજે…’ કહી એમણે ફોન મૂક્યો. એમના વિચારો મમળાવતાં, ભગવાનનો પાડ માનતાં ક્યારે ઊંઘ આવી ગઈ, ખબર જ ન પડી.
સવાર થતાં પાછું એ જ રૂટિન! નોકરીએ પહોંચી ગયો. બપોરે રાજેન્દ્ર શુક્લનો ફોન આવ્યો. મને ખુશ ખબર આપવા. એમણે ઓશોમાં શ્રદ્ધા ધરાવતી એક વ્યક્તિ, જેને ઇચ્છા હતી કે એમની દીકરી નાટકમાં કામ કરે. છોકરીના ફાધરનું નામ યાદ નથી, હા એ છોકરીનું નામ યાદ છે, નંદા સોની. રાજેન્દ્રને મેં ઘનશ્યામ નાયક વિષે જણાવ્યું. મને કહે, ‘વાહ દોસ્ત કાસ્ટિંગ પૂરું… હવે ગણપતિ બાપ્પાનું નામ લઇ જલદી રિહર્સલ શરૂ કરી દે. પછી જો… ઊંચાઈ પર એ જ પહોંચે છે જે પ્રતિશોધને બદલે પરિવર્તનનો વિચાર કરે છે. ગલગલિયાવાળા વિષયને તેં પસંદ કરી પરિવર્તનનો વિચાર કરી લીધો એ તને જ નહિ, મને પણ નામના અપાવશે.’
મેં ખુશ થતાં ફોન મૂક્યો. સાંજે અમે નંદા સોની અને એના ફાધરને મળ્યા. છોકરીની ૬’ની હાઈટ, સરસ બાંધો, ઊજળો વાન… સાળીના પાત્રમાં એકદમ ‘ફિટ’. એને નાટકનો કોઈ અનુભવ નહોતો એ એનું ઉધાર પાસું. એના એ ઉધાર પાસાને હું પહોંચી વળીશ એ નિર્ધાર મેં કરી લીધો. આમ પણ બજેટમાં પરફેક્ટ બેસી જતું હતું. અન્ય એવા રંગકર્મીઓને ખબર પડશે તો કદાચ થોડા બળશે. જોકે દીવા બનીને ઉજાશ કરવાનો ઢોંગ કરતાં જે પ્રવેશે છે એ જ આપણને દઝાડતા હોય છે. જેને આપણે ક્યારેક પવનથી ઓલવાતાં પણ બચાવ્યા હોય છે, પણ અપેક્ષા આ લાઈનમાં રાખવી અસ્થાને હતી. અનુભવે હું થોડું-ઘણું સમજી રહ્યો હતો. હવે આ અભિયાન દિલથી શરૂ કરી દેવું હતું. સંઘર્ષકાળ વખતે કોઈ નજીક નથી આવતું, પણ સફળતા મળે પછી કોઈને નિમંત્રણ આપવા ક્યાં જવું પડે છે? રિહર્સલ હોલ માટે મેં બીજા દિવસથી શોધખોળ શરૂ કરી દીધી.
ફાર્બસ હોલ અને જીના હોલ બંને બુક હતા. રોબર્ટમની સ્કૂલમાં તો ગમે ત્યારે જગ્યા મળી જાય, પણ મેં વિઘરામ હોલ પસંદ કર્યો. એ હોલમાં થોડી મને નકારાત્મકતા લાગતી હતી. એ વાત મનમાંથી ખંખેરી નાખી ત્યાં જ રિહર્સલનું નક્કી કર્યું. જિંદગીમાં બધું એવું નથી થતું જે આપણને ગમે, એવું પણ થાય જે આપણે ગમાડવું પડે.
બસ! આ જ નિર્ધાર સાથે વિઘરામ હોલમાં પૈસા ભરી દીધા. આજે શનિવાર, સોમવારથી રિહર્સલ કરવાનું નક્કી કર્યું. રવિવારે બધા જ કલાકારોને સમય અને સ્થળ જણાવી દીધાં. એ વાત રાજેન્દ્રને પણ જણાવી દીધી. (ક્રમશ:)ઉ
***
જિંદગી રોજ મને શીખવે છે કે જીવતાં શીખ,
એક સાંધતાં તેર તૂટશે, પણ સીવતાં શીખ!
***
‘તું છોકરી જોવા ગયો હતો એનું શું થયું?’
‘અરે! એનાં સગાંઓ વર્ણન કરતાં હતાં કે… હંસ જેવી ડોકવાળી, હરણ જેવી ચાલવાળી, કોકિલ જેવા કંઠવાળી, માછલી જેવી આંખોવાળી છોકરી છે, એટલે ના પાડી આવ્યો.’
‘કેમ?’
‘એમાં માણસ જેવું તો કંઈક હોવું જોઈએને?’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.