Homeઆપણું ગુજરાતકચ્છમાં કમોસમી માવઠાંથી અંજાર- ગાંધીધામ આસપાસના ગામો પલળ્યા

કચ્છમાં કમોસમી માવઠાંથી અંજાર- ગાંધીધામ આસપાસના ગામો પલળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: અફઘાનિસ્તાન પાસે સર્જાયેલા પશ્ર્ચિમી વિક્ષોભની અસર હેઠળ પાકિસ્તાનની સાથે સાથે રણપ્રદેશ કચ્છના હવામાનમાં નાટકીય પલટો આવ્યો હતો અને હાલ અનુભવાઈ રહેલી બેવડી ઋતુ વચ્ચે અંજાર-ગાંધીધામથી લઈ છેક ભુજની આસપાસના અનેક ગામોમાં બપોર બાદ કમોસમી ઝાપટાં વરસતાં વાતાવરણ વિચિત્ર બની જવા પામ્યું છે.
ગાંધીધામમાં આશરે અડધા કલાક સુધી હળવા અમી છાંટા પડ્યા હતા, જયારે અંજાર અને આસપાસના વરસામેડી, પડાણા સહિતના ગામોમાં પણ ઝાપટું વરસવાના અહેવાલો મળ્યા છે. અચાનક વરસેલા ઝાપટાંની અસર હેઠળ રણપ્રદેશને દઝાડી રહેલો મહત્તમ પારો થોડો નીચે ઉતરતાં ગરમીમાં રાહત અનુભવાઈ હતી. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ૧૭ ડિગ્રી જેટલા ન્યૂનત્તમ તાપમાન સાથે જાણે શિયાળો આસપાસ છે તેવો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. અફઘાનિસ્તાન પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થયા બાદ ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર થવાની અને તેના પગલે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહેલા વાદળોની હાજરી વચ્ચે આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા ઝાપટાં વરસી શકે છે તેવો વર્તારો મોસમ વિભાગે વ્યક્ત કર્યો છે. દરમિયાન કેટલાક લોકોના તર્ક પ્રમાણે એક સાથે આવેલાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ચુંબકીય અસરોને કારણે આવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે અને કચ્છમાં ચાલુ નવેમ્બર મહિનો છેલ્લા ૫૦ વર્ષોનો સૌથી ગરમ મહિનો બની રહેવા
પામ્યો છે.

RELATED ARTICLES

Most Popular