કચ્છમાં છેલ્લી ઘડીએ લોકો રાખી બજારમાં ખરીદી માટે ઉમટ્યા

આપણું ગુજરાત

(તસવીર: ઉત્સવ વૈદ્ય ભુજ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થતાં તહેવારોનો ઉમંગ બેવડાયો છે ત્યારે રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ કચ્છભરની બજારોમાં છેલ્લી ઘડીએ રાખડીઓની ખરીદી માટે લોકો ઉમટ્યા છે. ભુજની પ્રણાલિગત બજારોમાં તેમજ શહેરના મુન્દ્રા રોડ પર આવેલી ભાતીગળ હાટ બજારમાં રાખડીઓનો ખાસ મેળો યોજાયો છે. આ રાખડી મેળામાં કચ્છી હસ્તકળાને ઉજાગર કરતી રાખડીઓ મુકાઈ છે પણ લોકો આવી રાખડીઓ ખરીદવામાં ઉદાસીનતા દર્શાવી રહ્યાં હોવાનું અહીં બેસતા કારીગરોએ જણાવ્યું હતું. આના મુખ્ય કારણમાં બાળકો હવે ઓટિટિ પ્લેટફોર્મ પર આવતા કાર્ટૂનો પ્રમાણે રાખડીઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. નાની બાળાઓ ટીવી પર જોયેલી રાખડીને ખરીદવા માટે દુકાને દુકાને જવા હઠ પકડે છે.
મોંઘવારીની અસર હવે રક્ષાબંધનના તહેવાર ઉપર પણ પડી છે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ વેપારીઓએ રાખડીઓ વેચવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ડાયમંડ, ક્રિસ્ટલ પારા, સિલ્વર, ફૂલ તેમજ દેવ-દેવીઓમાં ગણેશ, રાધાકૃષ્ણ અને શ્રીનાથજી વગેરે પ્રકારની રાખડીઓની વેરાયટીઓ બજારમાં આવી છે, જયારે બાળકોમાં છોટા ભીમ, મોટુ-પતલુ, અને ડોરેમાન જેવા કાર્ટૂનોને અનુરૂપ રમકડાંની રાખડીઓ બજારમાં આવી છે. નાની બાળાઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ પોતાની તેમજ પોતાના ભાઈની પસંદગી મુજબની રાખડીઓ ખરીદે છે. દૂર રહેતા ભાઈઓ માટે બહેનોએ હવેથી જ રાખડીઓ ભાઈને મોકલવાનું શરૂ કર્યુ છે. જેથી કરીને રાખડીની ખરીદીમાં પણ વધારો થયો છે.
કચ્છના શહેરો અને ગામોમાં હજુ આજે પણ બ્રાહ્મણ કે મહારાજ દ્વારા રાખડી બાંધવાનો રિવાજ ચાલી રહ્યો છે. ઘરે ઘરે બ્રાહ્મણ ફરી ફરીને ઘરના તમામ પુરુષોને રાખડી બાંધે છે ઉપરાંત વાહનો,ઘરના કબાટને પણ રાખડી બાંધે છે એના બદલામાં મહારાજને દક્ષિણા અપાય છે. ગામડાંઓમાં વરસો જૂની પરંપરા હજુ પણ ચાલી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.