જેતપુર પાવીમાં રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં કોઈ ફરક્યું જ નહીં

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ ગ્રામજનોએ તેનો બહિષ્કાર કર્યો હતો અને કાર્યક્રમમાં એક પણ માણસ ન ફરકતા સરકાર અને વહીવટીતંત્ર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું હતું.
બે લાખની વસતીવાળા આ વિસ્તારમાં લગભગ નેવું ટકા વસતી રાઠવા સમાજની છે. આ સમાજને સરકારી લાભ આપવા માટે જાતિના પ્રમાણપત્રની જરૂર છે, પરંતુ તેમને આ પ્રમાણપત્ર મેળવવા માટે ખૂબ જ રંજાડવામાં આવે છે, તેવો આક્ષેપ અહીંના યુવક કૉંગ્રેસના પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવાએ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ૧૯૫૦ પહેલાના દાખલા અમુક પુરાવા માગવામાં આવે છે, જે હાલમાં રજૂ કરવા અશક્ય છે. દૂર દૂરથી આવતા ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પિતા, કાકા, ભાઈ-બહેન વગેરેના દાખલા અથવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા સત્તાવાર રીતે સ્વીકાર્ય પુરાવા હોવા છતાં તેને ગ્રાહ્ય ધરવામાં આવતા નથી. આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવતો ન હોવાથી શનિવારે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં
આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.