કેન્વાસ -અભિમન્યુ મોદી
વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી કઈ? કાન સાંભળવા માટે તૈયાર નથી, આંખમાં અંધારું, વિચારોમાં અસ્થિરતા, યાદશક્તિનો અભાવ, પગની પંગુતા, હાથ દુ:ખાવા. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી બીમારી, વધતું-ઘટતું વજન અને ગણવા બેસો તો બે હજ્જાર સમસ્યાઓ મળી આવે. વિજ્ઞાન ગમે તે શોધે, શરીરનું ર્જીણ થવું એક સાર્વત્રિક અને અનિવાર્ય પ્રક્રિયા છે. વ્યક્તિને સારામાં સારો જૈવ વારસો અને અત્યંત અનુકૂળ પર્યાવરણ મળે તો પણ તેના શરીરનાં તંત્રોને ઘસારો તો લાગુ પડે જ છે. જેને જીવનના પાછલા સમયમાં બધાની વચ્ચે એકલા રહેતા આવડે છે તેને વૃદ્ધાવસ્થા માફક આવી જાય છે, પરંતુ જેમણે લગ્ન ન કર્યા અને જીવનભર નિ:સંતાન રહ્યા તેમણે વૃદ્ધાવસ્થામાં પણ બમણી ગતિએ કામ કરવું પડે તો? જાપાનમાં આવી જ સ્થિતિ ઉદ્ભવી છે. જાપાનમાં વૃદ્ધો જાણી જોઈને અપરાધ આચરે છે જેથી તેમને સજા સ્વરૂપે જેલમાં જઠરાગ્નિ સંતોષવા કમસે કમ બે ટંકનું ભોજન તો મળે! જાપાનની જેલમાં સુરક્ષા કર્મીઓ વૃદ્ધોનું બહુ ધ્યાન રાખે છે. તેમની ભૂમિકા જેલની સુરક્ષાને બદલે આ વૃદ્ધોના ડાઈપર બદલવા, તેમને સ્નાન કરાવવું અને ફરવા માટે લઇ જવાની થઇ ગઇ છે. ઘણા વૃદ્ધો કહે છે કે ઘરે એકાકી જીવન કરતાં જેલનું વાતાવરણ સારું લાગે છે. ઘણી જેલોમાં તો ટીવીની પણ વ્યવસ્થા છે. આજે ૮૦ વર્ષના દાદા-દાદી મોલમાં, પેટ્રોલ પંપ, રેસ્ટોરાંમાં, બસ સ્ટેન્ડ પર, રસ્તામાં કચરો ઉપાડવાની, ડાન્સબારમાં મદિરાની પ્યાલીઓ સાફ કરવાની નોકરી કરે છે. આવી સ્થિતિ આવી કેમ?
જાપાનની વસતી ઘટી રહી છે તેનું કારણ યુવાનો પર વધી રહેલો વૃદ્ધોનો બોજ છે. જાપાન દુનિયાના સૌથી વિકસિત દેશોમાં એક છે. તેના કારણે સ્વાસ્થ્યની સુવિધાઓ વિશ્ર્વમાં શ્રેષ્ઠ છે. પરિણામે લોકોનું આયુષ્ય વધતું જાય છે અને વૃદ્ધોની સંખ્યા પણ વધતી જાય છે. જાપાન દુનિયામાં સૌથી વધારે સિનિયર સિટીઝન્સ ધરાવતો દેશ છે. જાપાનની કુલ વસતીમાંથી ૨૮.૨ ટકા લોકો ૬૫ વર્ષથી વધારે વયના છે અને ૧૫.૩ ટકા લોકોની ઉંમર ૭૫ વર્ષથી વધારે છે. જાપાનમાં સાડા ત્રણ કરોડ સિનિયર સિટીઝન્સ છે અને તેમાં પણ ૧.૯૦ કરોડ તો ૭૫ વર્ષથી વધારે વયનાં લોકો છે.
વિશ્ર્વમાં વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે જ્યારે જાપાનમાં સતત વસ્તી ઘટી રહી છે. જાપાનમાં જન્મદરના ઘટાડાએ સવા સો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૨૦૨૨માં જન્મ દરમાં ઐતિહાસિક ઘટાડાથી વૃદ્ધના દેશ ગણાતા જાપાનમાં કાર્યબળની કટોકટી વધુ વકરી છે. આરોગ્ય અને શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ગત વર્ષે માત્ર ૮,૧૧,૬૦૪ બાળકોનો જન્મ થયો હતો અને ૨૦૨૧ની સરખામણીમાં આ સંખ્યા ૨૯,૨૩૧ જેટલી ઓછી છે. સામે મૃત્યુ પામનારની સંખ્યા ૧૪ લાખ છે. ભારત સરકાર વસ્તી વધારાથી ચિંતિત છે. ‘એક બચ્ચા મીઠી ખીર, દો બચ્ચે બવાસીર’ જેવા સ્લોગન સાથે શહેરથી લઈને આંતરિયાળ વિસ્તારોમાં સરકારી બાબુઓ નિરોધનું પ્રચારાત્મક અભિયાન ચલાવીને વધુ બાળકો પેદા ન કરવા પર ભાર મૂકે છે જ્યારે જાપાન સરકાર બાળકો પેદા કરવા માટે પૈસા આપવા તૈયાર છે. જાપાનનું સત્તાવાર ચલણ યેન છે. આજની તારીખમાં જાપાનમાં બાળક જન્મે ત્યારે તેના માતા-પિતાને ૪.૨૦ લાખ યેન એટ્લે ૨.૫૦ લાખ રૂપિયાની રકમ સરકાર દ્વારા અપાય છે. તેના કારણે બહુ ફરક ન પડતાં જાપાન સરકારે બાળક જન્મે ત્યારે તેનાં માતા-પિતાને અપાતી રકમમાં વધારો કરવાનું નક્કી કર્યું છે.
જાપાન સમૃદ્ધ દેશ હોવાથી વૃદ્ધોની સંભાળ રાખવા માટે નાણાંની કમી નથી પણ માણસોની કમી છે. જાપાન આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમતો દેશ છે તેથી યુવાનો તેમાં વ્યસ્ત રહે છે. પરિણામે વૃદ્ધોની સંભાળ રાખવા માટે યુવાધન છે જ નહિ. દુનિયાના બીજા દેશોની જેમ જાપાનના યુવાનોને પણ બાળકો પેદા કરવામાં રસ નથી. નવી પેઢી જવાબદારીઓથી દૂર ભાગે છે એ કારણ તો છે જ પણ જાપાનના યુવાનોની હાલત વધારે ખરાબ છે.જાપાનના યુવાનોના માથે અત્યારે જ વૃદ્ધ માતા-પિતા, દાદા-દાદી વગેરેનો બોજ છે. યુવાનો તેમની સેવામાંથી ઊંચા આવતા નથી તેથી બાળકો પેદા કરીને નવો બોજ વેંઢારવાની તેમની તૈયારી નથી. જાપાનના વૃદ્ધોમાં પણ બે ફાંટા પડી ગયા છે. એક વર્ગ એવો છે જેને પોતાનાં સંતાનોને સહકાર આપવો છે એટલે નોકરી કરે છે જેથી બાળકો પર આર્થિક બોજ ન પડે જયારે બીજો વર્ગ જીવનસંધ્યાએ નોકરી કરીને દુ:ખી થવા નથી માગતો એટલે માફિયાની ગેંગમાં સામેલ થઈ ગયો છે. નાની-મોટી ચોરી કરીને આવા વૃદ્ધો જેલમાં જતા રહે જેથી સંતાનોને નડે નહીં. જાણીને આશ્ર્ચર્ય થશે કે જાપાનમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી. નાગરિકો વૃદ્ધાશ્રમ બનાવવા ઈચ્છે, પરંતુ સરકાર અને સંસ્કાર બન્ને તેનો વિરોધ કરે છે એટલે યોજના પાર નથી પડતી. તેની સામે જેલમાં વૃદ્ધો વધતા જાય છે.
સ્વાસ્થ્ય-સેવાઓની સાર્વત્રિક ઉપલબ્ધતા અને ઔષધવિજ્ઞાનના વિકાસને પગલે પગલે જાપાનમાં માનવીની આયુષ્યમર્યાદામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. તેના સ્વાભાવિક પરિણામ રૂપે વૃદ્ધોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેના કારણે ડાયપર બનાવતી કંપનીઓએ પણ જાપાનમાં ધામા નાખી દીધા છે. લેડીઝ અને બેબી ડાયપર કરતાં ૩ ગણી ઊંચી કિંમતે એડલ્ટ ડાયપર વેચાય છે અને તેનાથી પણ ૧૦ ગણી સંખ્યામાં વૃદ્ધો ડાયપરનો ઉપયોગ કરે છે. સસ્તી કિંમતે ડાયપર મળી રહે એ માટે જાપાનમાં ડાયપરની પણ દાણચોરી થાય છે. કાળાબજારીઓએ કોરોનાકાળમાં માસ્ક કે સેનિટાઇઝરમાં જેટલી કમાણી નથી કરી તેનાથી ડબલ કમાણી એડલ્ટ ડાયપરમાં કરી લીધી હતી.
ડાયપરની ખરીદી કરવામાં પણ જાપાનના યુવાધનને આળસ આવે છે. છતાં વૃદ્ધો નોકરી કરવામાં આળસ નથી અનુભવતા. વૃદ્ધત્વ નામની વિભાવના મનુષ્યના વિશ્ર્વની જ ઊપજ છે! જંગલમાં પ્રાણીઓમાં વૃદ્ધત્વ જેવું નથી. અશક્ત પશુને સશક્ત પશુ મારી નાખે છે. ગુલાબના ફૂલને વૃદ્ધત્વ નથી. છોડ પર ગુલાબના ફૂલને વૃદ્ધ થતાં નિહાળ્યું છે? ગુલાબના ફૂલના સ્મિતમાં જ વૃદ્ધત્વ નથી. પાળેલાં જાનવરો લાંબું જીવે છે, કુટુંબ છે માટે મનુષ્યોમાં વૃદ્ધો લાંબું જીવી શકે છે. ૭૫મા વર્ષે માણસે વિચારવું જોઈએ કે હવે જવાની નથી! એનો અર્થ એ નથી કે વૃદ્ધત્વ આવી ગયું છે. જે માણસ નિવૃત્ત, નિષ્પવૃત્ત, નિર્વર્તમાન થઈ જાય છે, એને શારીરિક વૃદ્ધત્વ જલદી આવી જાય છે.
જિંદગીને કાટ લાગી જાય અને ઉપર રાખની પર્ત જામી જાય એ અવસ્થા આવવી જોઈએ નહીં.મનુષ્ય આ જિંદગીને કવિતાની જેમ જીવવા માગતો હોય તો એ એના જીવનના સૂર્યાસ્ત સમયને એનો સુખીમાં સુખી કાળ ગણશે. આ જ ફિલસૂફીને જાપાનના વૃદ્ધોએ અપનાવી લીધી.વિદેશીઓ દ્વારા કદી સામ્રાજ્ય સ્થાપવામાં આવ્યું ન હોય એવા દેશોમાંનો એક જાપાન છે. ઓગણીસમી સદી સુધી તે એશિયાનો નાનો દેશ હતો. વીસમી સદીમાં તે વિશ્ર્વસત્તા બન્યો, પરંતુ હવે ઘટતી વસ્તી જાપાનને હાંસિયામાં ધકેલી રહી છે.
એવું નથી કે માત્ર જાપાન જ વસ્તી ઘટાડાનો સામનો કરે છે. હંગેરી, રોમાનિયા, યુકે અને ફ્રાન્સ સહિત યુરોપના સંખ્યાબંધ રાષ્ટ્રોમાં પણ આ વાઇરસ મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. આજની યુવા પેઢીને કારકિર્દી બનાવવામાં રસ છે. તેઓ દાંપત્યજીવનને દેહસુખનું માધ્યમ માને છે. બાળકો તેમના માટે ડિસ્ટ્રેક્શન છે. આવા વિચારો ભારતના મહાનગરોમાં પણ પેસી રહ્યા છે, પરંતુ ભારતમાં દર ૨૫ કિલોમીટરે એક વૃદ્ધાશ્રમ મળી આવે છે છતાં જાપાન જેવી સ્થિતિ થઈ તો શું કરવું? ભારતમાં માત્ર વૃદ્ધાશ્રમ જ નહીં અનાથાશ્રમ પણ ઊભરાઈ રહ્યા છે. જો જાપાન જેવી વિચારક્રાંતિ આવશે તો વસ્તીમાં ઘટાડો થઈ જશે, પરંતુ એ સ્થિતિ કેવી હશે જ્યાં પ્રત્યેક વૃદ્ધ યુવાનીને ઝંખતો હશે! આ સમસ્યાનું નિવારણ લાવવું આવશ્યક છે નહિતર પૃથ્વી પર વસ્તીથી સ્થિતિ અસામાન્ય થઈ જશે ત્યારે સાનુકૂળ નહીં વિપરીત સંજોગો વચ્ચે પણ વૃદ્ધોની સેવા અને બાળકોનો સધિયારો બનવું પડશે. પરિસ્થિતિ પીડાદાયક બને એ બાદ જો જાગૃત થવાનું હોય તો આજે, અત્યારે જ જાગૃત ન થઈ શકાય?