14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમના ઈઝહારનો દિવસ અને આ દિવસને આખી દુનિયામાં વેલેન્ટાઈન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમી પંખીડા માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે ત્યારે આપણે અહીં વાત કરીએ સુરતના એક એવા ગામ વિશે કે જે ગામને જ વેલેન્ટાઈન્સ ડે ગામના નામથી જ ઓળખવામાં આવે છે. આ પાછળનું કારણ એવું છે કે ગામમાં 90 ટકા યુવક યુવતીઓએ પ્રેમ લગ્ન કર્યા છે. આટલું ઓછું હોય તેમ ગામમાં છેલ્લી ત્રણ પેઢીથી આ પ્રકારે જ લગ્નો થાય છે. આ ગામના યુવક-યુવતીઓ તો ઠીક પણ તેમના માતા પિતાએ પણ ગામની યુવક-યુવતી સાથે લવમેરેજ કર્યા છે. હજીરા વિસ્તારનું ભઠા ગામને પ્રેમના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીંના લોકોની વાત માનીએ તો લગ્ન જીવનના વર્ષો બાદ પણ ગામના કપલ્સમાં ભારોભાર પ્રેમ જોવા મળે છે. શાળામાં અભ્યાસ કરતા હોય ત્યારથી જ આ ગામના અને યુવક-યુવતીઓ વચ્ચે પ્રેમ થઈ જાય છે અને આખરે આ પ્રેમ સંબંધ લગ્ન બંધનમાં કન્વર્ટ થઈ જાય છે. જો માતા-પિતા ન માને તો આ કપલ ભાગીને પણ લવ મેરેજ જ કરતા હોય છે અને જો પરિવાર માની જાય તો પરિવારની મંજૂરીથી લવ મેરેજને અરેન્જ મેરેજમાં કન્વર્ટ કરી નાખે છે.
જોકે આ ગામમાં પ્રેમ કર્યા બાદ માતા-પિતાની મંજૂરીથી લગ્ન કરવાના 70% કરતાં વધુ દાખલા જોવા મળ્યા છે. લગ્નના પાંચ વર્ષ હોય 10 વર્ષ હોય કે પછી 15 વર્ષ હોય આજે પણ આ કપલ્સમાં પ્રેમ એકદમ બરકરાર જોવા મળે છે.યુવતીઓની વાત માનીએ તો તેમને ગામની બહાર જવું નથી અને પોતાના ભાવિ જીવન સાથીને બાળપણથી જ જોયો હોય છે એટલે તેની સારી અને ખરાબ બંને આદતોથી તેઓ પરિચિત હોય છે એટલે તેઓ આ રીતે લવ મેરેજ કરે છે. .
જોકે આજની પેઢી તો ઠીક પણ આ પહેલાંની પેઢીઓએ પણ એમના સમયમાં લવ મેરેજ જ કરવાનું પસંદ કર્યું હતું. ભાગ્યે જ જો કોઈ છોકરીને ગામનો યુવક પસંદ ન આવે તો બાજુના ગામમાં લવ મેરેજ કરે છે. ગામની આ ખાસિયતને ધ્યાનમાં લઈને સ્થાનિકોમાં આ ગામ વેલેન્ટાઈન ડે ગામ તરીકે ઓળખાય છે.