એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કલ્પનાતીત ભવ્ય જીત ચોતરફ છવાયેલી છે. ભાજપે ગુજરાતમાં કઈ રીતે જીતની બાજીને હારમાં પલટી તેની ચર્ચા ચોતરફ ચાલી રહી છે. આ ચર્ચામાં હિમાચલ પ્રદેશમાં ભાજપની કારમી હારની વાત બાજુ પર ભૂલાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ૬૮ બેઠકો માટે થયેલી મતગણતરીમાં કૉંગ્રેસે ૪૦ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી જ્યારે સત્તાધારી ભાજપ ૨૫ પર સમેટાઈ ગયો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૪ બેઠકો મળી હતી ને આ વખતે તેને ૧૯ બેઠકોનુ નુકશાન થયું છે. આ ૧૯ બેઠકો કૉંગ્રેસના ખાતામાં ગઈ છે જ્યારે બાકી રહેલી ૩ બેઠકો પર અપક્ષે જીત મેળવી છે. હિમાચલ પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જોર લગાવ્યું હતું પણ આપ ખાતું પણ ખોલાવી શકી નથી.
હિમાચલ પ્રદેશ સત્તાપરિવર્તન માટે જાણીતું રાજ્ય છે. કૉંગ્રેસના વીરભદ્રસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે ૧૯૮૫ની ચૂંટણીમાં કૉંગ્રેસની જીત થઈ હતી પણ એ પછી સત્તાધારી પક્ષની હારનો સિલસિલો શરૂ થયો. છેલ્લાં ૩૭ વર્ષથી કોઈપણ પાર્ટીની સરકાર હિમાચલ પ્રદેશમાં સળંગ બે ટર્મ એટલે સતત ૧૦ વર્ષ સુધી સત્તામાં રહી નથી. ભાજપ આ પરંપરા તોડવા આતુર હતો ને એટલે જ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ‘રાજ નહીં, રિવાજ બદલીશું’નો નારો આપ્યો હતો. હિમાચલના મતદારો આ વખતે સરકાર નહીં બદલે પણ દર પાંચ વર્ષે સરકાર બદલવાનો જૂનો રિવાજ બદલી નાખશે એ વાત પર ભાર મૂકતો હતો પણ હિમાચલના મતદારોએ રિવાજ જાળવીને રાજ બદલી નાખ્યું છે.
ભાજપે પોતાની હારને આ રિવાજમાં ખપાવી દીધી છે. એ રીતે ભાજપ આ હાર સામાન્ય અનઅપેક્ષિત હોય એ પ્રકારનો દેખાવ કરી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ ગુરૂવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશનાં પરિણામો પછી ભાજપના મુખ્યાલયે કરેલા સંબોધનમાં એવું જ કહ્યું કે, હિમાચલમાં ભાજપ માત્ર એક ટકા મતના અંતરથી હાર્યો છે તેથી આ બહુ મોટી હાર નથી. ભાજપ અને મોદી આ પ્રકારની વાતો કરીને તમાચો મારીને ભલે ગાલ લાલ રાખી રહ્યા હોય પણ ભાજપ માટે આ હાર બહુ મોટી છે કેમ કે ભાજપ કૉંગ્રેસ સામે હાર્યો છે. આઘાતજનક વાત એ છે કે, ભાજપ કૉંગ્રેસની તાકાતના કારણે નથી હાર્યો પણ પોતાની આંતરિક જૂથબંધી ને ટાંટિયાખેંચના કારણે હાર્યો છે. બાકી કૉંગ્રેસ તો ભાજપને હરાવી શકે એટલી મજબૂત છે જ નહીં.
કૉંગ્રેસનાં આખા દેશમાં વળતાં પાણી છે. ભાજપ સામે સીધી ટક્કર હોય એવાં રાજ્યોમાં તો કૉંગ્રેસ જીતી જ શકતી નથી. હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ થયેલી ચૂંટણીમાં ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસની કેવી ભૂંડી હાર થઈ એ નજર સામે છે. આ પહેલાં ઉત્તરાખંડમાં પણ ભાજપ કૉંગ્રેસ સામે જીત્યો જ હતો. હિમાચલ પ્રદેશની જેમ ઉત્તરાખંડ પણ સત્તાપરિવર્તન માટે જાણીતું રાજ્ય છે.
ઉત્તરાખંડની સ્થાપના થઈ ત્યારથી સત્તાધારી પક્ષની હારનો સિલસિલો શરૂ થયો. ઉત્તરાખંડમાં આ પહેલાં કોઈપણ પાર્ટીની સરકાર હિમાચલ પ્રદેશમાં સળંગ બે ટર્મ એટલે સતત ૧૦ વર્ષ સુધી સત્તામાં રહી નહોતી. ભાજપ આ પરંપરા તોડી શક્યો ને જીત મેળવી શક્યો પણ હિમાચલ પ્રદેશમાં એ પરાક્રમ ના કરી શક્યો કેમ કે હિમાચલ પ્રદેશમાં ભાજપના નેતા અંદરોઅંદરની લડાઈમાં જ ખપી મર્યા.
ભાજપની અંદરોઅંદરની લડાઈ એવી જોરદાર હતી કે, ભાજપના મોટા ભાગના મંત્રી હારી ગયા છે. હિમાચલમાં દરેક ચૂંટણીમાં મોટા ભાગના એટલે કે લગભગ અડધોઅડધ મંત્રીઓ હારી જ જાય છે. આ વખતે પણ આ ક્રમ જળવાયો છે પણ ફરક એ છે કે, ભાજપ સરકારના ૮૦ ટકા મંત્રી હારી ગયા છે. ભાજપની જયરામ ઠાકુર કેબિનેટના ૧૦માંથી ૮ મંત્રી ચૂંટણી હારી ગયા છે. સુરેશ ભારદ્વાજ, રામલાલ મારકંડા, વીરેન્દ્ર કંવર, ગોવિંદ સિંહ ઠાકુર, રાકેશ પઠાનિયા, ડો.રાજીવ સૈઝલ, સરવીન ચૌધરી, રાજેન્દ્ર ગર્ગ જેવા ભાજપના ધુરંધર મનાતા મંત્રીઓ ઘરભેગા થઈ ગયા છે. જયરામ ઠાકુર સિવાય બિક્રમ ઠાકુર અને સુખરામ ચૌધરી એ બે જ મંત્રી ચૂંટણી જીતી શક્યા છે.
હિમાચલ પ્રદેશમાં બ્રાહ્મણો અને ઠાકુર એ બે મોટી જ્ઞાતિ છે. ભાજપ અને કૉંગ્રેસ બંને આ જ્ઞાતિની મતબૅંક પર આધારિત છે. ભાજપમાં વરસોથી બ્રાહ્મણ નેતા શાંતાકુમાર અને ઠાકુર નેતા પ્રેમકુમાર ધુમલ વચ્ચે જંગ ચાલ્યા કરે છે. હવે શાંતાકુમાર ઘરડા થયા એટલે બ્રાહ્મણ લોબીની કમાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પાસે છે. ધુમલ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પિતા છે તેથી ઠાકુર કેમ્પમાં હવે અનુરાગ ઠાકુર આગળ આવ્યા છે. નડ્ડા વર્સિસ ઠાકુરના જંગમાં ટિકિટોની વહેંચણીથી જ ડખા શરૂ થઈ ગયેલા. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ કૃપાલ પરમાર સહિતના સંખ્યાબંધ નેતા બળવો કરીને ઊભા રહ્યા તેના કારણે હિમાચલની ચૂંટણીમાં આ વખતે ભાજપ વર્સિસ કૉંગ્રેસ નહીં પણ ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. બે બિલાડીની લડાઈમાં વાંદરો
ફાવી ગયો એવી વાર્તા આપણે નાના હતા ત્યારે સાંભળતા હતા. હિમાચલ પ્રદેશમાં ઊલટું થયું છે. બે વાંદરાની લડાઈમાં બિલાડી ફાવી ગઈ છે.
ધુમલ અને નડ્ડાની ગોધાલડાઈની કિંમત ભાજપે હાર સાથે ચૂકવી છે ને કૉંગ્રેસને મોટું આશ્વાસન મળી ગયું છે. કૉંગ્રેસ પાસે અત્યાર લગી રાજસ્થાન અને છત્તીસગઢ એ બે જ રાજ્ય હતાં.હવે હિમાચલ પ્રદેશના રૂપમાં ત્રીજું રાજ્ય ઉમેરાતાં કૉંગ્રેસ આમ આદમી પાર્ટી કરતાં આગળ નિકળી ગઈ છે. કૉંગ્રેસ ૨૦૧૯ની લોકસભા ચૂંટણમાં સળંગ બીજી વાર હારી પછી તેના માટે ઠેર ઠેરથી મોંકાણના જ સમાચાર આવે છે. હિમાચલ પ્રદેશની જીત તેના માટે રાહતરૂપ સમાચાર છે. મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી તેમની શરૂઆત નાના તો નાના રાજ્યની જીતથી થઈ છે. ખડગેનું તેમાં કોઈ યોગદાન નથી પણ ખડગે રાષ્ટ્રીય પ્રમુખ છે એટલે તેમના નામે જશ લખાશે.
અલબત્ત, ભાજપનો ઈતિહાસ જનમત મેળવીને રચાયેલી સરકારોને પણ ગબડાવીને પોતાની સત્તા સ્થાપિત કરવાનો છે. હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ અત્યારે ભલે હાર્યો પણ ભવિષ્યમાં એ ખેલ કરશે જ એ જોતાં કૉંગ્રેસની સરકાર ક્યાં લગી ટકશે એ પણ જોવાનું છે.