ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગરમી વધી

આપણું ગુજરાત

અમદાવાદ: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ બરાબર વરસી રહ્યો છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લેતાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત નલિયામાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં હતા. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૫ ડિગ્રી વધીને ૪૦.૩ ડિગ્રી નોંધાયું હતું. શિયાળામાં રાજયમાં સૌથી ઠંડા રહેતા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. ગુરુવારે અને શુક્રવારે સતત બે દિવસ મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચતાં છેલ્લા દાયકાની વિક્રમજનક ગરમી પડી હતી. સામાન્ય દિવસોમાં સવારથી સાંજ સુધી ગામડાઓનાં ગ્રાહકોથી ભરચક રહેતી મુખ્ય બજાર છેલ્લા બે દિવસથી પારો અસામાન્ય રીતે ઊંચકાતાં ચહલપહલ નહિવત બની હતી.
હવામાન વિશેષજ્ઞના જણાવ્યા મુજબ હાલમાં અરબ સાગરમાં સક્રિય અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી સીમિત રહી છે, જેથી આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ સર્ક્યુલેશનની સિસ્ટમ મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પહોંચી નથી, જેથી વાદળો બને છે, પણ વાતાવરણના ઉપર અને નીચેના લેવલમાં વરસાદ ખેંચી લાવે તેવાં ભેજવાળા પવનોની અનુકૂળ પેટર્ન ન હોવાથી વાદળો વિખરાઇ જાય છે. ૨૯મી જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. ત્રીજી જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.