Homeદેશ વિદેશફેડરલના ઝડપી વ્યાજવધારાના સંકેતે વૈશ્વિક સોનું સપ્તાહના તળિયે સ્થાનિકમાં રૂ. 780 તૂટ્યા,...

ફેડરલના ઝડપી વ્યાજવધારાના સંકેતે વૈશ્વિક સોનું સપ્તાહના તળિયે સ્થાનિકમાં રૂ. 780 તૂટ્યા, ચાંદી રૂ. 2521 ગબડી

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે કૉંગ્રેસ સમક્ષની ટેસ્ટીમનીમાં ફુગાવાલક્ષી દબાણ માટે વધુ વ્યાજવધારાની આવશ્યકતા હોવાનું જણાવતાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે રોકાણકારોની નવી લેવાલીના અભાવે ભાવઘટાડો આગળ ધપતાં સોનાના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગઈકાલની ધુળેટીની જાહેર રજા પશ્ર્ચાત્ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 778થી 780નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. 56,000ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક ભાવની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વૈશ્ર્વિરક નિરુત્સાહી અહેવાલે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2521ના કડાકા સાથે રૂ. 62,000ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2521ના ઘટાડા સાથે રૂ. 61,745ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ઘટતી બજારે સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ પ્રવર્તમાન લગ્નસરાની રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવાથી તેમ જ ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી હાજરમાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 778ના ઘટાડા સાથે રૂ. 55,087 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 780ના ઘટાડા સાથે રૂ. 55,389ના મથાળે રહ્યા હતા.
તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવી રહ્યા હોવાથી આગામી દિવસોમાં ફુગાવાલક્ષી દબાણ વધવાનો સંકેત આપી રહ્યા છે. આથી વધતા ફુગાવાને ડામવા માટે વધુ વ્યાજદરમાં વધારાની આવશ્યકતા હોવાનું અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે અમેરિકી કૉંગ્રેસ સમક્ષની અર્ધ વાર્ષિક ટેસ્ટીમનીના બે દિવસીય સત્રના પ્રથમ સત્રમાં જણાવ્યું હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક તબક્કે ઔંસદીઠ 30 ડૉલર અથવા તો 1.9 ટકા જેટલો કડાકો બોલાઈને 1812.55 ડૉલર સુધી પહોંચ્યા હતા.
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધથી 0.1 ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 1812.44 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી 0.2 ટકાના ઘટાડા સાથે 1816.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.1 ટકા ઘટીને ઔંસદીઠ 20.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે પૉવૅલના વ્યાજદરમાં ઝડપી વધારાના સંકેત બાદ સોનામાં કોઈ રોકાણકાર નવી ખરીદી માટે ઉત્સુક ન હોવાનું સીટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ સેમ્પ્સને જણાવતાં ઉમેર્યું હતું કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ ઔંસદીઠ 1800 ડૉલરની સપાટીની અંદર ઉતરે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, હવે બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ તેની આગામી 21-22 માર્ચની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular