(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાની સાથે અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ છ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછી ફરતાં લંડન ખાતે સત્રના આરંભે ધીમો સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮નો ધીમો સુધારો આવ્યો હતો. વધુમાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પણ સાધારણ એક પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં વિશ્વ બજારથી વિપરીક ભાવમાં કિલોદીઠ રૂ. ૧૮૮નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન એકંદરે બન્ને કીંમતી ધાતુઓમાં કામકાજો પાંખાં રહ્યા હતા. ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮૮ના ઘટાડા સાથે રૂ. ૬૭,૬૬૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી, પરંતુ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૮ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૪૩૦ અનેૈ ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૬૪૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૮૦૮.૭૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૮૧૪.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતાત, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૬૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા સાપ્તાહિક બેરોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે બેરોજગારીના ડેટા મહત્ત્વના છે. જો બેરોજગારીમાં અપેક્ષા કરતાં વધુ વધારો થશે તો ડૉલર નબળો પડશે અને જો ડૉલર નબળો પડશે તો સોનામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.