Homeટોપ ન્યૂઝસોનામાં રૂ. ૪૮નો સુધારો, ચાંદી રૂ. ૫૧૨ તૂટી

સોનામાં રૂ. ૪૮નો સુધારો, ચાંદી રૂ. ૫૧૨ તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તર

મુંબઈ: વૈશ્વિક બુલિયન માર્કેટમાં ગઈકાલે સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો નોંધાયો હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં ખાસ કરીને સોનાની આયાત પડતર વધવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૧૨નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૧૨ના ઘટાડા સાથે રૂ. ૬૮,૨૫૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ તેમ જ રૂપિયો નબળો પડતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૪૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૬૮૭ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારો પણ નવી લેવાલીથી દૂર રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ક્રિસમસની રજાઓ હોવાથી આ સપ્તાહે કોઈ મહત્ત્વના આર્થિક ડેટાની જાહેરાત પણ ન થવાની હોવાથી એકંદરે કામકાજો પાંખા રહ્યા હતા. સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૦૭.૮૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૧૮૧૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધી સોનાના ભાવમાં બે વર્ષની નીચી સપાટીએથી ઔંસદીઠ ૨૦૦ ડૉલર સુધીનો ઉછાળો આવ્યો છે. જોકે, હવે આગામી દિવસોમાં સોનાના ભાવની વધઘટનો આધાર ડૉલરની વધઘટ, ફુગાવાના ડેટા, ફેડરલનું વ્યાજ વધારા અંગેનું વલણ, ચીનમાં કોરોનાની સ્થિતિ અને વૈશ્વિક સ્તરના રાજકીય-ભૌગોલિક કારણો પર અવલંબિત રહેશે, એમ બજાર વર્તુળો જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular