(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવા છતાં, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૨૧ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૩ વધી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ સાધારણ રૂ. ૬૩ના સુધારા સાથે રૂ. ૬૫,૪૭૪ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વધુ ઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. તેમ જ ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં આયાત પડતરમાં ઘટાડો થવાથી મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૧૧૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૩૪૩ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં છૂટીછવાઈ લગ્નસરાની રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હતી. દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ જાન્યુઆરી મહિના પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૮૪૦.૮૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૮૪૯.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૭૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરના અમેરિકાના આર્થિક ડેટાઓ ડૉલર ઈન્ડેક્સની તેજીને પ્રેરકબળ પૂરું પાડી રહ્યા હોવાથી સોનામાં સલામતી માટેની માગ દબાણ હેઠળ આવી રહી છે. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ પીછેહઠ જોવા મળતાં સોનામાં સાધારણ સુધારો જોવા મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના કૉમૉડિટી રિસર્ચ વિભાગના હેડ હરેશ વી એ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા રિટેલ વેચાણના ડેટામાં બે મહિનાના ઘટાડા પશ્ર્ચાત્ બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ અમેરિકાના રિટેલ ફુગાવાનાં ડેટાને ધ્યાનમાં લેતાં પુન: ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવી હતી. જાન્યુઆરીમાં સોનાની આયાત ૭૬ ટકા ઘટીને ૩૨ મહિનાના તળિયે મુંબઈ તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પહોંચવાની સાથે સ્થાનિકમાં સોનાની માગમાં ઘટાડો થવા ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરોએ પણ નવી ખરીદી મોકૂફ રાખતા ગત જાન્યુઆરી મહિનામાં દેશની સોનાની આયાત જાન્યુઆરી ૨૦૨૨ની સરખામણીમાં ૭૬ ટકાના ઘટાડા સાથે ૩૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી હોવાનું રૉઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે સોનાની વૈશ્વિક આયાતમાં ભારત બીજો ક્રમાંક ધરાવે છે અને સોનાના બૅન્ચમાર્ક ભાવ ઊંચી સપાટીએથી ગ્રાહકલક્ષી માગમાં ઘટાડો થતાં આયાતમાં ઘટાડો થાય છે, પરંતુ આયાતમાં ઘટાડો દેશની ચાલુ ખાતાની ખાધ નીચે લાવવામાં અને રૂપિયાને ટેકો આપવામાં મદદરૂપ થતી હોય છે.