મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના મોડી સાંજના સ્ટોકહોમ ખાતેના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ગત ૧૧ નવેમ્બર પછીનો સૌથી મોટો ૫૭ પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૪થી ૨૮૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬૨ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬૨ના ઘટાડા સાથે રૂ. ૬૭,૬૨૯ના મથાળે રહ્યા હતા. આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ પાંખી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૮૪ના ઘટાડા સાથે રૂ. ૫૫,૭૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૮૫ના ઘટાડા સાથે રૂ. ૫૫,૯૭૪ના મથાળે રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના આજના વક્તવ્યમાં વ્યાજદરમાં વધારા અંગેના કોઈ સંકેત આપે છે કે નહીં તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ ખપપૂરતી લેવાલી રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૮૭૬.૫૨ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૮૦.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૭૫ની પ્રતિકારક સપાટીએથી પાછાં ફર્યા છે અને જો આજે ફેડરલના અધ્યક્ષ તેનાં વક્તવ્યમાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે આક્રમક નાણાનીતિ જાળવી રાખવાનો અણસાર આપે તો વૈશ્ર્વિક સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ આવતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે વ્યક્ત કરી હતી. વ્યાજદર વધારાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નિરસ રહેતી હોય છે.