રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૧૧૯નો ઘટાડો, ચાંદી ₹ ૪૭૫ તૂટી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ આગળ ધપતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા મજબૂત થઈને ૭૮.૬૩ના મથાળે બંધ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૮થી ૧૧૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૭૫નો ઘટાડો આવ્યો હતો. આજે ડૉલર સામે રૂપિયો મજબૂત થવાથી સોનાના ભાવમાં વિશ્ર્વ બજારથી વિપરીત ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. સ્થાનિક ઝવેરી બજારમાં આજે મુખ્યત્વે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગ જોવા મળી હતી અને સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૮ ઘટીને રૂ. ૫૧,૩૪૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૧૯ ઘટીને રૂ. ૫૧,૫૪૯ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૫ ઘટીને રૂ. ૫૭,૯૦૪ના મથાળે રહ્યાના અહેવાલ હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલરમાં નબળાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૭૧.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ પૂર્વે એક તબક્કે ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ગત પાંચમી જુલાઈ પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૧૭૭૫.૩૭ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે વાયદામાં પણ ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૧૭૮૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ચાર મહિનાની નીચી સપાટી આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ એક મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઈડી એન્ડ એફ મેન કેપિટલ માર્કેટના વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ઘણા મેક્રો ડેટા નબળા આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી તરફ આગળ ધપે તેવી શક્યતા નકારી ન શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.