મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા હેઠળ ગઈકાલે રાત્રે ડૉલર ઈન્ડેક્સમાં બે સપ્તાહનો સૌથી મોટો ઉછાળો નોંધાઈ જતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ લંડન ખાતે સોનામાં ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યો હતો. આમ એકંદરે વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૪થી ૨૨૫નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં વધુ ૬૫ પૈસાનું ધોવાણ થવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૧૬ ઘટી આવ્યા હતા.
આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૧૧૧૬ના ઘટાડા સાથે રૂ. ૬૪,૬૪૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૪ ઘટીને રૂ. ૫૩,૪૧૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૫ ઘટીને રૂ. ૫૩,૬૨૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યાના નિર્દેશ સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૭૧.૮૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૭૮૪.૨૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૪૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ડૉલર ઈન્ડેક્સની વધઘટ અનુસરી રહ્યા છે. ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા પ્રોત્સાહક આવ્યા બાદ ગઈકાલે નવેમ્બર મહિનાના સર્વિસીસ ડેટા પ્રોત્સાહક આવતાં વ્યાજદરમાં વધારાની અર્થતંત્ર પર માઠી અસર ન પડી હોવાનું ફલિત થતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાનો અભિગમ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં બે સપ્તાહનો સૌથી મોટો ઉછાળો નોંધાઈ ગયો હતો અને ડૉલર મજબૂત થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્ર્લેષકો જણાવતાં ઉમેરે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજરમાં આક્રમક વધારો કરે તેવી ભીતિ હેઠળ સોનાના વૈશ્ર્વિક ભાવમાં પાંચ સપ્તાહની ઊંચી સપાટીએથી અત્યાર સુધીમાં ૧.૬ ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો છે.