ભગવાનમાં મનુષ્યભાવ – પતનનો માર્ગ

ધર્મતેજ

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં ભગવાનના મનુષ્યરૂપે અવતરણની વાત જાણી. હવે તે વિચારને ઊંડાણથી સમજીએ.
બિરબલને એક વખત બાદશાહે કહ્યું: ‘બિરબલ! આપણા રાજ્યમાં પ્રજા સુખી છે કે નહીં તે આપણે જાણવું છે. કોઈને કાંઈ દુ:ખ રહેવા દેવાં નથી’.
બાદશાહની વાત સાંભળીને બિરબલે એક યુક્તિ બતાવી. બન્નેએ વેરાગીનો વેશ ધારણ કર્યો. પછી ગામના ચોરે જઈને બેઠા. સાથે એક છોકરાને સેવક રાખેલો. તેની પાસે ઢંઢેરો પિટાવીને જાહેર કર્યું કે ‘જેને દુ:ખ હોય તે કહી દેજો. તમારી બધી માગણી સ્વીકારવામાં આવશે.’
આ સાંભળીને ઘણા લોકો આજુબાજુ ટોળે મળીને ભેગા થઈ ગયા. ‘તેમાં કેટલાક કહેવા લાગ્યા: તમે લોકોનું દુ:ખ શું દૂર કરવાના હતા? તમારી પાસે જ કાંઈ નથી.’
બિરબલે એમનાં બધાનાં નામ-ઠામ લખી લીધાં. કેટલાકે ગાળો ભાંડી. કેટલાક વળી ડાહ્યા નીકળ્યા. તેમણે વિચાર કર્યો કે ‘આપણા ઘરનું શું જાય છે? લાવો ને! આપણાં દુ:ખ તેમને કહીએ’. તેથી તેમાંથી કેટલાકે જમીન માગી, કેટલાકે રૂપિયા માગ્યા, કેટલાકે સોનામહોરો માગી. એ બધાનાં નામ અને સરનામાં બિરબલે એક ચોપડો કાઢીને લખી લીધાં.
સાંજ પડી એટલે બાદશાહ અને બિરબલે પોતાનું આસન ઉપાડ્યું અને અંધારામાં મહેલમાં આવી ગયા. બીજે દિવસે સવારે બાદશાહ પોતાના તખ્ત ઉપર બેઠા. સભા ચિકાર ભરેલી હતી. બિરબલ પાસેથી ચોપડો લઈને તેમાં લખેલાં નામ ને સરનામાંવાળા માણસોને બોલાવ્યા. જે જે વસ્તુ જેમણે માગી હતી તે તેમને આપવા લાગ્યા. કોઈને જમીન આપી, કોઈને રૂપિયા આપ્યા. એમ માગનારાઓને ઇચ્છા મુજબ મળ્યું તેથી તે બધા રાજી થઈ ગયા. જેમણે કાંઈ ન માગ્યું, તેઓ પશ્ર્ચાત્તાપ કરવા લાગ્યા કે આપણે ન માગ્યું એટલે રહી ગયા. જેઓ ગાળો બોલ્યા હતા તેમને સજા કરી અને બાકીનાને છોડી મૂક્યા. વચનમાં વિશ્ર્વાસ રાખીને જેણે માગી લીધું તેઓ ફાવી ગયા.
આ દૃષ્ટાંતનું સિદ્ધાંત શું? ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધરીને આવે છે. મનુષ્ય જેવા જ દેખાતા હોય પરંતુ તેઓ આપણા કલ્યાણ માટે જ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. પણ લોકમાં રાચેલા જીવો તે સમજી શકતા નથી. જેઓ તેમનો મહિમા સમજે છે કે ‘આ સાક્ષાત્ પુરૂષોતમ નારાયણ છે’, એમ સમજીને રાજી કરી લે, તો અપાર સુખ ભોગવે. જેઓ સામાન્ય મનુષ્ય જેવા સમજે છે તેઓ આ લોકમાં ભટકતાં રહી સુખથી વંચિત રહી જાય છે.
શ્રીકૃષ્ણ ભગવાન ગીતાના નવમા અધ્યાયમાં માનવી ભગવાનમાં મનુષ્યભાવ લાવી ભગવાનને અવગણે છે તે વાત કરતાં કહે છે,
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम॥ (૯/૧૧)
મારા પરમ ભાવને નહિ જાણનારા મૂઢ માણસો મુજ સઘળા પ્રાણીના મહાન ઈશ્ર્વરને અવગણે છે. મુજ પરમેશ્ર્વરને સામાન્ય માણસ ગણે છે. શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં જગતના લોકો તો એમને ઓળખી ન શક્યા તેથી અભાગી કહેવાયા, પરંતુ એમની સાથે જ રહેતા કુળના સભ્યો પણ ભગવાનને ન જાણી શક્યા, કારણ તેઓ શ્રીકૃષ્ણ ભગવાનને મનુષ્ય જ માનતા હતા માટે નિરંતર અભાગિયા કહેવાયા.
મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર રાજાને એવું થતું કે મારું કોઈ કાળે કલ્યાણ નહિ થાય. કારણ યુધિષ્ઠિર ચિન્તામાં હતા કે, મેં મારા જ કુળનો નાશ કર્યો છે. આ બાબતે ઘણા ઋષિઓએ સમજાવ્યા પરંતુ મુંજવણ ટળી નહીં. વ્યાસજીએ સમજાવ્યા. શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તો પણ મુંજવણ મૂકી નહીં. ભીષ્મ પાસે શાસ્ત્રસંબંધી કથા સાંભળી તો પણ અર્જુન જેવા નિ:સંશયી થયા નહિ. આમ, ભગવાન પોતાની સાથે હોવા છતાં ઓળખી શક્યા નહિ. ભગવાનના સ્વરૂપમાં સંપૂર્ણ નિષ્ઠાનો અભાવ હતો.
જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા હોય તો જ્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે, કાલે સમર ભૂમિમાં હું રહીશ કાં તો અર્જુન! તો પણ અર્જુન શાંતિથી સુઈ શકે છે. તેનું કારણ હતું કૈવર્તક એવા ભગવાન શ્રીકૃષ્ણ તેની સાથે હતા. તેઓ દરેક સ્થિતિમાં તેની રક્ષા કરશે તેવો તેને દૃઢ વિશ્ર્વાસ હતો.
નરસિંહ મેહતા તેઓના એક પદમાં લખે છે કે,
પોતાના સરખી કરીને જાણે, પુરુષોત્તમની કાયા રે;
નરસૈંયાના સ્વામીની લીલા, ઓલ્યા મતિયા કહે છે માયા રે.
જે મનુષ્ય છે તે પુરુષોત્તમ ભગવાનને પોતાના જેવા માને છે અને પછી તેઓ જે લીલા કરે તેમાં તેને માયાના દર્શન થાય છે.
જ્યારે જ્યારે માનવી ભગવાનમાં મનુષ્યભાવ લાવે છે, ત્યારે ત્યારે તેની આધ્યાત્મિક અધોગતિ જ થાય છે. તે માટે ભગવાનની લીલામાં સંપૂર્ણ દિવ્યભાવ જ ભક્તિને પૂર્ણતા તરફ લઈ
જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.