Homeઉત્સવડિપોઝિટ ગુમાવનારા નેતાઓના પક્ષમાં!

ડિપોઝિટ ગુમાવનારા નેતાઓના પક્ષમાં!

ટાઈટલ્સ: પ્રેમ, ઇલેક્શન ને મૂર્ખામીમાં કંઇપણ ચાલે!

મિજાજ મસ્તી -સંજય છેલ

(છેલવાણી)
અમારા એક મિત્ર, મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા અને પરિણામે એને ઝીરો- જી હાં, ‘શૂન્ય’ વોટ મળ્યા! મિત્રએ, બંબૈયા હિંદીમાં ગુસ્સો કાઢયો:બ્લડી, મેરી બીવી મેરે કુ વોટ નહીં દેગી વો મૈં માન સકતા હૂં પર મૈ ખુદ ભી અપુન કો વોટ નહીં દેગા ઐસા કૈસે હો સકતા હૈ? ભીડુ, અપુનને ભી અપુન કો હરા દીયા? એની વાત પર હસવું કે રડવું સમજાતું નહોતું!
હમણાં ગુજરાત ઈલેકશનમાં બીજેપીની જંગી જીતની સુનામીમાં, આમ આદમી પાર્ટીના ૧૨૮ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવીને હારી ગયા. આવું કરવું પણ એકજાતની દેશભક્તિ છે.
વિધાનસભાના ઇલેક્શનમાં ૧૦૦૦૦ રૂ.ની ડિપોઝિટ હોય છે એટલે અમારા મતે તો જે સેંકડો હજારો ઉમેદવારો દર ૫ વરસે સતત ડીપોઝિટ ગુમાવે છે એ ખરેખર તો દેશને અર્થિક યોગદાન આપે છે. જે જીતે છે તે જ નહીં પણ હારીને ડિપોઝિટ ગુમાવનારાઓ પણ દેશના સેવક છે! અમે તો કહીએ છીએ કે ચુનાવ આયોગે ડિપોઝિટની રકમ ઓછી કરવી જોઈએ જેથી વધુને વધુ લોકો ચૂંટણી લડે, વધુ હારે ને દેશને વધુ આવક થાય!
ખરેખર, હારવા માટે હિમ્મત જોઈએ, જીતી તો કોઈપણ શકે! જેમ કોઈ ક્ધયા પોતાને ન જ મળવાની હોય તો પણ તેના પ્રેમમાં તબાહ થઈ જનારા આશિક હોય છે એમ ‘હારવાનાં જ છીએ’ ખબર હોવા છતાં ચૂંટણી લડવી એ પણ એકજાતની બહાદુરી છે. આ કંઇ કાચાપોચાનું કામ નથી. એમાંયે અપક્ષ ઉમેદવાર તરીકે લડીને હારનારાઓ ખરેખર મહાન છે.
હિંદીના વ્યંગકાર કે.પી. સકસેનાએ ‘ઝમાનત જપ્ત હોને કા સુખ’માં લેખમાં આવું કૈંક લખ્યુ છે કે: “મહોલ્લેવાલોંને હમેં બહુત ઉકસાયા ઔર પાની પે ચઢાયા કિ હમ ચુનાવ મેં નિર્દલીય ખડે હો જાયેં! ઝમાનત કે પૈસો કા મુંહ ના દેખેં.
વૈસે તો દેશ ઔર લોકતંત્ર કે નામ પર અપુન શરીર કા જાંઘિયા-બનિયાન છોડકર સબકુછ કુરબાન કર સકતે હૈં! તો મુઝે ડિપોઝિટ કે પાંચસો રૂ. કા મોહ નહીં હૈ- પર હમને હાથ જોડકર મના કિયા, ઈસ ડર સે નહીં કિ હમ હાર જાયેં, ઝમાનત જપ્ત હો જાયેં, પર ઉસ ડર સે કિ અગર હમ નિર્દલિય હી જીત ગયે તો?
ઇંટરવલ:
ભ્રષ્ટાચાર યાને કલયુગી અવતાર,
યે નહીં જાતા, સરક જાતી હૈ સરકાર! (પ્રેમકિશોર પટાખા)
હારવું સ્વાભાવિક પ્રક્રિયા છે. લોકો પ્રેમમાં હારે છે, ધંધામાં કે પરીક્ષામાં ફેલ થાય છે! તમે કોઈને એમ કહેતા સાંભળ્યા છે કે ચાલો, આ વખતે ફલોપ ફિલ્મ બનાવીએ? પણ તોયે નિષ્ફળતા સત્ય છે, જેમ મૃત્યુ સત્ય છે, જીવન મિથ્યા છે!
જુઓને લગભગ ૫૦ ટકા લગ્નજીવન જાહેર કે અંગત રીતે નિષ્ફળ જાય જ છે તોયે લોકો યુગોયુગોથી સતત પરણે જ રાખે છેને? કોઇ હાર માને છે?
બસ, તો ઇલેક્શનમાં હારવાનું પણ એવું જ છે! અમારા એક મિત્રએ અમને પૂછ્યું: હિંદી ફિલ્મવાળાઓને ઓસ્કાર એવોર્ડ ક્યારેય નથી મળતો તેમ છતાં ત્યાં ફિલ્મો કેમ મોકલે છે? દર વરસે ત્યાં હારવા માટે જ કેમ જઇએ છીએ? વાતમાં દમ છે પણ આનો કોઇ જવાબ નથી અમારી પાસે. જો કે ચુનાવમાં તો અમુક લોકો ખાસ હારવા કે
બીજા લોકોના વોટ કાપવા જ ઇલેક્શન લડતા હોય છે! એ
લોકોને ડિપોઝિટ હારવાના પૈસા મળે છે એટલે એ લોકોને ધંધામાં
બધું માફ!
જો કે તો પણ કોઇ પાર્ટીના ૯૭ % કે ૭૨ % નેતાઓની ડિપોઝિટ જતી રહી એ વાત પર અચરજ ના થવું જોઇએ બલ્કિ એમ પૂછવું જોઇએ કે ૧૦૦ % નો રેકોર્ડ કેમ ના બની શક્યો? વાંધો નહીં, નિશાન ચૂક માફ, માફ નહીં નીચું નિશાન! જુઓને આપણે ત્યાં લોકશાહી ૧૦૦ ટકા સફળ નથી તોયે દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાય જ છેને? તો પછી લોકશાહીમાંયે સૌને છૂટથી હારવાની છૂટ હોવી જ જોઇએ! વળી બધાં જ જો જીતી જશે તો હારીને વિપક્ષમાં સાચોખોટો વિરોધ કોણ કરશે?
રસ્તા પર અંદોલનોથી માંડીને વિધાનસભામાં બૂમબરાડા કોણ
પાડશે? લોકશાહીમાં હારનારી પાર્ટી પણ એટલી જ કિંમતી છે જેટલી પ્રેમમાં ઘાયલ આશિકની બકવાસ શાયરીઓ! ભાઇ, વિપક્ષ સાસુ છે ને સરકાર વહુ. વહુની વેલ્યૂ તો જ થાય જો વિપક્ષ નામની વઢકણી સાસુ હોય!
વળી ડિપોઝિટના ૧૦,૦૦૦-રૂ.ની આખરે શું ચીજ છે? જો બધી સરકારો જૂઠા દાવાઓ કરી શકતી હોય તો નાગરિકોને એમનાં સાચા પૈસા રોકીને હારવાનો હક નથી? લોકશાહીમાં નાગરિક તરીકે હારવું- એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે!
બાકી, ઇલેક્શનમાં વારેવારે હારીને છેવટે જે મરી જાય એને લોકતંત્રનો શહીદ જ કહી શકાય! ૧૦,૦૦૦-માં સોદો ખોટો નથી! જુઓને અંગ્રેજો સામે આપણે ૨૫૦ વરસ હારેલાં પણ આજે આઝાદ છીએને? તો ગઇકાલે હારનાર આવતીકાલે જીતી પણ શકે છે! બસ કોઇ મોટી પાર્ટી જોઇન કરે એટલી જ વાર છે. અને સારી રકમની ઓફર આવવી જોઇએને!
બાકી આઝાદીના ૭૪ વરસે પણ આપણે કેટકેટલા મોરચે હારીને હસતાં હસતાં જીવીએ જ છીએને? તો ભલે નેતાઓ હારતાને ડિપોઝિટ ગુમાવતા! સો વોટ?
એંડ ટાઇટલ્સ:
ઇવ: તને મારામાં શું ગમે?
આદમ: તારું મૌન!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular