Homeઈન્ટરવલમેળાઓમાં અને ગામડાઓમાં વિદેશી ફેશન ડિઝાઇનર નવી ડિઝાઇન માટે રખડે છે

મેળાઓમાં અને ગામડાઓમાં વિદેશી ફેશન ડિઝાઇનર નવી ડિઝાઇન માટે રખડે છે

ભારતે વિશ્ર્વને કોટનનાં કપડાં આપ્યાં

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

યાદ કરો વો દિન… ઘરમાં પ્રસંગ હોય, એક જમાનો હતો જ્યારે ઘરમાં દરજી બેસાડવામાં આવે અને બે ચાર તાકામાંથી બધાનાં એકસરખા કપડાં સિવવામાં આવે. એકસરખાં કપડાં પહેરીને બધાના ઘરે જવાનું, એનો પણ આનંદ હતો.
પ્રસંગો પર બધા રાહ જોતાં હોય કે નવાં કપડાં આવશે. જો કે હાલની પરિસ્થિતિમાં ખાસ ફેર નથી, છેક ઓગસ્ટમાં પ્રસંગો અને ઉત્સવો માટે દુનિયાભરના સેલ આવતા હોય છે. મહિલાઓ સેલમાં ખરીદી માટે પૈસા બચાવી રાખે છે…
કપડાં અને વડીલોની વાત નીકળી જ છે, તો ભારતીય ઉપખંડ હજારો વર્ષથી કપડાંઓનું નિકાસકર્તા રહ્યું છે. સિંધુ સંસ્કૃતિ સમયે ઘરની સ્ત્રીઓ કપાસમાંથી કપડાના તાણાવાણા ગૂંથતી હતી.
એ સમયમાં ફેશનેબલ કપડાંઓનો વિકાસ થયો હોવાથી દરજીઓના વ્યવસાયની પરંપરા હતી. બીજા છેડે બનારસમાં સ્ત્રીઓ કપડાંના તાણાવાણા ઘડતી હોવાની સંસ્કૃતિ હતી. આ સ્ત્રીઓ કપાસખેતરક્ષિકા તરીકે ઓળખાતી હતી.
ભારતમાં શક, હૂણ કે કુષાણો જેવા વિદેશી આક્રમકો આવ્યા, જે પોતાની સાથે અલગ અલગ મટિરિયલ લાવતા ગયા. આ જ આક્રમણખોરોએ ભારતીય કપડાંની કળાની સુવાસ વિશ્ર્વભરમાં દૂર દૂર સુધી ફેલાવી દીધી હતી. ભારતે વિશ્ર્વને કોટનકપડાં આપ્યાં, જેને રોમનોએ પોપ્યુલર કર્યા. ભારતીય ઉપખંડમાં પરંપરાગત પહેરવેશ એટલે માથા પર પાઘડી હોય, ઉપરી વસ્ત્ર અને અધોવાસ એટલે ધોતી જેવું વસ્ત્ર કહી શકાય. સ્ત્રીઓ ચોલી, ઘાઘરા અને ઉત્તરીય વસ્ત્રો પહેરતી. સમૃદ્ધ સમાજની મહિલાઓ માથા પર પાઘડી બાંધતી. એનો અર્થ એ થયો કે એ યુગમાં પણ કપડાં કાપવામાં પણ આવતા હશે અને સીવવામાં પણ આવતા હશે, કદાચ પદ્ધતિ અલગ હોઇ શકે. એક હકીકત એ પણ છે કે ભારતના ગરમ હવામાનની અસર કપડાં પર પણ હતી. ભારતીય વસ્ત્રો થોડા ઢીલાં હતાં, પરસેવાનું પ્રમાણ આપણી આબોહવાને કરાણે વધુ થતું હોવાથી શરીર સાથે કપડાઓનો સ્પર્શ ઓછો રહેતો.
આજના યુગમાં પરંપરાગત મેળાઓમાં અને ગ્રામીણ વિસ્તારોમાં અસંખ્ય વિદેશી ફેશન ડિઝાઇનર પ્રવાસ કરતાં હોય છે. જાતજાતના કડાથી માંડી ગમછા સુધી મળેલી ડિઝાઇનને મોડીફાઇડ કરીને પશ્ર્ચિમમાં ફેલાવે છે જે આધુનિક ફેશન બનીને ભારતમાં આવે છે. મૂળ સમસ્યા એ છે કે આપણે આપણી ફેશનનો વ્યાવસાયિક અભ્યાસ ખાસ કરતાં નથી અને યુરોપ પર આધાર રાખીએ છીએ, જેનો વિદેશીઓ લાભ લે છે. ફેશન દુનિયાનો ગમતો વિષય છે, આજે હજારો ફેશન મેગેઝિન અને સોશિયલ મીડિયા ધમધમે છે પણ જર્મનીમાં છેક વર્ષ ૧૫૮૬માં પહેલું ફેશન મેગેઝિન માર્કેટમાં આવ્યું હતું. ફેશન હજારો વર્ષોથી હોવા છતાં કપડાંનો પહેલો લોગો છેક ૧૯૩૩માં બન્યો હતો.
ફેશનની વાત નીકળી જ છે તો પુરૂષો દાયકાઓથી શોર્ટ્સ પહેરે છે. મહિલાઓને બીજા વિશ્ર્વયુદ્ધ યુદ્ધ દરમિયાન ફેબ્રિક્સની શોર્ટેજ હોવાથી જાહેરમાં શોર્ટ્સ પહેરવાની છૂટ મળી હતી. સમસ્યા પણ ક્રાંતિ કરી શકે.
વિશ્ર્વમાં સૌથી લોકપ્રિય પહેરવેશમાં ટી શર્ટ છે. દરવર્ષે અંદાજે બે અબજ કરતાં વધુ વેચાતું ટી શર્ટ અંડરગારમેન્ટ ગણાતી, ભારતમાં જોય મુખરજીએ ટી શર્ટને ફેશન બનાવી. એવરેજ અમેરિકન પાસે સરેરાશ સાત જોડી બ્લ્યુ જીન્સ હોય છે. આખું વીક અલગ અલગ અલગ પહેરી શકે. ફક્ત કપડાં જ એવું માર્કેટ છે, જ્યાં અસહ્ય વધારો આવ્યો નથી.
૧૯૫૦ના દાયકામાં સરેરાશ અમેરિકન પરિવારે તેમની આવકના ૧૧.૫% કપડાં પર ખર્ચતા. આજકાલ અમેરિકનો તેમની આવકના આશરે ૩.૫% કપડાં માટે વાપરે છે. ભારતીય ફિલ્મની દુનિયામાં ફેશન સાઇક્લીક છે, જે થોડા સમય પછી પાછી આવતી હોય છે. આપણા સમાજમાં ફિલ્મી ફેશનની અસર જોવા મળે છે અને ફિલ્મોમાં સમાજમાંથી પણ ચણિયાચોળી જેવી ફેશન ગઇ છે. અનારકલી ડ્રેસ મુગલે આઝમથી શરૂ થયો અને આજે પણ મોટાભાગની ફિલ્મમાં જીવંત છે.
શિયાળો આવી રહ્યો છે, ત્યારે યાદ કરો કે સ્કાર્ફ અને સ્વેટરની ફેશન દેવાનંદ લાવેલા પણ એક જ કલરના સ્વેટરની ફેશન રીશી કપૂરે શરૂ કરી હતી. દીવાળીની રજાઓમાં ઘરમાં કૂર્તા અને પેન્ટ પહેરીને ફરો ત્યારે આપણા ગુજ્જુ સંજીવકુમારને યાદ કરવા. સેક્સી સ્ટાઇલથી સાડી પહેરવાની શરૂઆત મુમતાઝ અને શિફોનની સાડી ચાંદની ફેમ શ્રીદેવીનું પ્રદાન હતું. સફેદ શર્ટ, પેન્ટ અને સફેદ શૂઝની ફેશન ડાયલોગના બાદશાહ રાજકુમારે શરૂ કરેલી.
ફ્રોકની રેન્જ લોકપ્રિય કરવામાં ગુજરાતી નીલમનું શાનદાર યોગદાન હતું. સ્વદેશ, કર્ઝ, લગાન, અગ્નિપથ, ચાંદની, મહાભારત સિરિયલના કોશ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાને ગાંધી ફિલ્મ માટે ઓસ્કાર મળી ચૂક્યો છે.
કપડાંઓની ઓળખ તો ભારત હજારો વર્ષ પહેલાં આપી ચૂક્યું છે. પાણિનિમાં ચાર પ્રકારનાં કપડાઓનો ઉલ્લેખ છે. તે સમયના ધનિક વર્ગ માટે રેશમી કપડાં હતાં જેને કૌશેય કહેવાતાં. એ જ રીતે રેસાઓમાંથી ઔમક, ઉનમાંથી ઓર્ણક અને કપાસના સૂતી કપડાં બનતાં હતાં. અન્ય એક ઉલ્લેખ મુજબ હરણના કુંમળા વાળમાંથી રાડ઼વ નામનું કપડું બનતું હતું.
મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના કપડાનો ઉલ્લેખ છે, ભગવાન રેશમી પિતાંબર પહેરતાં હતાં, જ્યારે બલરામ ભૂરા રંગના વસ્ત્રો પહેરતા. મહાભારત મુજબ જ્યારે રાજસૂય યજ્ઞ થયો ત્યારે દુનિયાભરના રાજવીઓ પધાર્યા હતાં. મહેમાન રાજવીઓ પોતાના વિસ્તારના કપાસ, કીટકો, છાલ કે ચામડાના કપડાં લાવ્યા હોવાના ઉલ્લેખ મળે છે.
ભારતમાં રાજપરિવારો મુગટ ધારણ કરતાં અને સામાન્ય પ્રજાજનો પાઘડી પહેરતા. સરળતાથી મુસાફરી કરવા ઘોડાઓનો ઉપયોગ વધવા લાગ્યો, આ સમયે અનુકૂળતા માટે માટે મધ્ય એશિયામાં પાયજામા શોધાયા. ઘોડેસવાર માટે પાયજામો આદર્શ પહેરવેશ બનતા ભારતમાં પણ સદીઓથી પાયજામો પ્રવેશી ચૂક્યો હતો.
પાયજામાનો ઉપયોગ શરૂ થતાં ચામડાનાં જૂતાં ભારતમાં પ્રવેશ્યા. શકો અને કુષાણોના ચિત્રોમાં જૂતાઓનો ઉપયોગ જોવા મળે છે.
દુનિયાને રંગીન કપડાંઓની ઓળખ આપવામાં કચ્છનું ખાસ યોગદાન છે. કપડાં પર રંગ લગાવવાની કળા કચ્છમાં વિકાસ પામી હોવાનું માનવામાં આવે છે, દરેક પ્રદેશના પાણીની ખાસ વિશેષતા હોય છે. કચ્છના પાણીમાં કરવામાં આવેલા રંગ વધુ સુંદર રીતે નીખરતા હોય છે. લાલ રંગ તો જગત આખામાં કરવામાં આવતો હોય, પણ કચ્છના પાણીમાં થતો લાલ રંગ અલગ તેજસ્વીતા સાથે થતો હતો. એ અલગ વાત છે કે આપણે આપણી કળાને મરવા માટે છોડી દીધી છે.
વસ્ત્રો પર થતાં રંગના કામને જાતુષ કહેવાતું. મૂળિયાં, પાંદડા, છાલ, ફળો, ફૂલો વગેરેમાંથી રંગ બનાવવાની પદ્ધતિ વિકાસ પામી હતી. કપડાં ફૂલ, વેલા કે પાંદડાથી શરૂ થયા હોવાનું દરેક સંસ્કૃતિ માને છે.
વિવિધ પ્રસંગો અને લાગણીઓ માટે કયા રંગો પહેરવા જોઈએ એનું પણ વિજ્ઞાન છે.
પ્રાચીન રોમનો તેમના લગ્ન સમારંભમાં પીળાં વસ્ત્રો પહેરતાં હતાં. મધ્યકાલીન સમયમાં યુરોપીયન મહિલાઓ લીલો રંગ પહેરતી હતી, જે ફળદ્રુપતાનું પ્રતીક તરીકે માનવામાં આવતું. વાદળી એ વફાદારીનો રંગ છે, જે સમજાવે છે કે શા માટે યુએસ
પોલીસ અધિકારીઓ વાદળી ગણવેશ પહેરે છે. બ્લ્યુ શર્ટ શાંત વ્યક્તિત્વ સાથે આરામ અને તણાવમુક્ત હોવાનો અહેસાસ કરાવે છે.
માણસની લાગણીઓ સાથે લાલ રંગ જોડાયેલો છે. એક અભ્યાસ એવું કહે છે કે એથ્લેટ લાલ કલર સાથે વધુ સારો દેખાવ કરે છે.
આત્મવિશ્ર્વાસ ઘટતો લાગે તો કપડામાં લાલ રંગનો
સમાવેશ કરવો, શક્તિનો અહેસાસ થશે. નેતાઓ માટે લાલ કાર્પેટ એટલે જ પાથરવામાં આવે છે.
બ્લેક કલર માણસને ગંભીર અને જવાબદાર બનાવે છે. જજ અને વકીલો એટલે જ બ્લેક કલરના ડ્રેસ પહેરે છે. બ્લેક ડ્રેસમાં સ્ત્રીઓ કોન્ફિડન્સ સાથે સુંદર અને સેક્સી લાગે છે. અંતિમ સંસ્કાર વખતે અથવા મૃત્યુ પછી શોકના સમયગાળા દરમિયાન કાળો રંગ પહેરવાની પરંપરા રોમન સામ્રાજ્યની છે. વિક્ટોરિયન ઈંગ્લેન્ડમાં, વિધવાઓએ તેમના પતિના મૃત્યુ પછી ચાર વર્ષ સુધી કાળાં વસ્ત્રો પહેરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી, જોકે કેટલીક સ્ત્રીઓએ તેમના બાકીના જીવન માટે કાળો રંગ પહેરવાનું પસંદ કર્યું હતું. આ પ્રકારની કથા મહાભારતમાં પણ છે, પરિક્ષિત રાજાના નિધન સમયે નગરજનો કાળાં વસ્ત્રોમાં આવ્યાં હતાં.
રાણી વિક્ટોરિયા લગ્ન સમારંભમાં સફેદ ડ્રેસ પહેરનાર પ્રથમ વ્યક્તિ હતી, આ લગ્ન અગાઉ સફેદ રંગ શોકના પ્રસંગે પહેરાતો હતો. જો કે, ચીની લોકો આધુનિક સમયમાં શોક વ્યક્ત કરવા માટે સફેદ રંગનો ઉપયોગ કરે છે. આપણે ત્યાં બેસણામાં સફેદ કપડાં પહેરવામાં આવે છે, બેસણાના સ્થળ પાસે સરનામું પૂછવું પડતું નથી. પશ્ચિમમાં સફેદ ડ્રેસ સુઘડ વ્યક્તિત્વનું પ્રતીક બન્યું છે.
ફાઇનલી કપડાં વ્યક્તિત્વ અને મૂડને અનુરૂપ પહેરવા એ એક આર્ટ છે. એક તરફ અમિતાભ છે અને બીજી તરફ બીજાઓને ખુશી આપવા ચિત્ર વિચિત્ર કપડાં પહેરતો રણવીરસિંગ અથવા રંગીલાનો આમીરખાન છે, ચોઇસ તમારી…
ધ એન્ડ : રેંટિયાની પ્રથમ માનસિક ઝાંખી સને ૧૯૦૮માં થઈ હતી, રેંટિયાને વિચારતા જ વીજળીના ઝબકારાની જેમ વિચાર આવ્યો કે રેંટિયા વિના ભારતની આઝાદી નથી. મેં જોયું કે નાના મોટા, ભણેલા અભણ, ધનિક ગરીબ સહુએ કાંતવું જોઈએ પણ તે વખતે સાળ અને રેંટિયા વચ્ચેનો ભેદ પણ ખબર ન હતી. રેંટિયાના દર્શન સને ૧૯૧૮માં થયા અને ૧૯૨૧માં રેંટિયાને મહાસભામાં ઠરાવમાં સ્થાન મળ્યું.
ગાંધીજી, નવજીવન તા. ૭-૧૦-’૨૮

RELATED ARTICLES

Most Popular