(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રસ્તા તથા નાળાને પહોળા કરવા જેવા અનેક અટવાયેલા પ્રોજેેક્ટ હવે પાટે ચઢશે. પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ (પીએપી) લોકોને પર્યાયી ઘર આપવા માટે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી કામ અટકેલા હતા, પરંતુ હવે મુંબઈ મહાનગરપાલિકાએ એક અનામત પ્લોટ પર ૨૨ માળાની છ બિલ્ડિંગો બાંધવાનો નિર્ણય લીધો છે. પ્લાન મુજબ ૩૦૦ સ્કવેર ફીટના ૨,૦૬૮ ઘર બાંધવામાં આવશે. તાજેતરમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ૭૦૯ કરોડ રૂપિયાનો આ પ્રસ્તાવ મંજૂર કર્યો છે.
મુંબઈમાંં હાલ અનેક રસ્તાઓ પર બોટલનેક આવેલા છે, તેને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક થતો હોય છે. તો અનેક જગ્યાએ નાળાં પર અતિક્રમણ થયાં છે, તેને કારણે નાળાં પહોળા કરવાનું કામ પણ અટવાયેલું છે. આવા અનેક પ્રોજેક્ટનું કામ અટવાયેલું છે, કારણ કે આ પ્રોજેક્ટને કારણે અસરગ્રસ્ત થનારા લોકોના પુનર્વસન કરવા માટે પાલિકા પાસે જગ્યા નહોતી. તો અમુક જગ્યાને લઈને વિવાદ હોવાથી તે જગ્યાનો ઉપયોગ કરી શકાતો નહોતો.
છેવટે પાલિકાએ એમ-પૂર્વ વોર્ડમાં પાલિકાના કર્મચારીઓના ક્વાટર માટે અનામત રાખવામાં આવેલા પ્લોટને ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે. પાલિકાએ ઑગસ્ટમાં બહાર પાડેલાં ટેન્ડર મુજબ આ પ્લોટ પર ઘર બાંધવામાં આવશે, જેમાં પાલિકા કર્મચારીઓને તો ઘર આપવામાં આવશે, એ સાથે જ અસરગ્રસ્ત લોકોને પણ અહીં ઘર આપવામાં આવશે.
પાલિકાએ આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ૬૮૨ કરોડ રૂપિયાનો રાખ્યો છે. ખાનગી કંપનીને ૭૦૯ કરોડ રૂપિયાના ખર્ચે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. દેવનારમાં બાંધવામાં આવનારી આ બિલ્ડિંગમાં પાર્કિંગ, દુકાનો, મલ્ટિ-પર્પસ હૉલ, બાળકો માટે શાળા, વેલફેર સેન્ટર, જિમ, ચાઈલ્ડ કેર સેન્ટર, વેસ્ટ વોટર પ્રોસેસિંગ પ્લાન્ટ, બોરવેલ, ઈન્ટરનેટની સગવડ સહિત રેન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે.
પાલિકાના એસ્ટેટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ ભવિષ્યમાં જુદા જુદા માળખાકીય પ્રોજેક્ટને જોતા અસરગ્રસ્તો માટે ૩૬,૦૦૦ ઘર બાંધવા પડશે.