(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે એકમાત્ર ટીન સિવાય અન્ય તમામ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં વિશ્ર્વ બજારથી વિપરીત ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લે-વેચ તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું. જેમાં મુખ્યત્વે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની અન્ય વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૬નો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તથા માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૮નો ઘટાડો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે નિકલ અને ઝિન્કના ભાવમાં ૦.૫ ટકાનો, કોપર અને એલ્યુમિનિયમમાં ૦.૪ ટકાનો અને લીડમાં ૦.૨ ટકાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો, જ્યારે ટીનના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું.
વિશ્ર્વ બજારથી વિપરીત સ્થાનિકમાં ખાસ કરીને ટીન, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તથા સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ ઘટીને રૂ. ૨૩૩૦, રૂ. ૮ ઘટીને રૂ. ૨૨૧ અને રૂ. પાંચ ઘટીને રૂ. ૨૩૪૦ના મથાળે રહ્યા હતા. તેમ જ વપરાશકારોની માગ નિરસ રહેતાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૬૬૦ના મથાળે રહ્યા હતા.
વિશ્વ બજારથી વિપરીત ધાતુમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ
RELATED ARTICLES