બિલ્કીસ બાનો કેસમાં જેલ મુક્ત દોષિતોની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટ દોષિતોને સમય પહેલા જેલ મુક્ત કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી માટે નવી બેંચની રચના કરવા માટે સંમત થઈ છે.
બિલ્કીસ બાનોએ વકીલ શોભા ગુપ્તા દ્વારા દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચે અરજીની સુનાવણી માટે બિલ્કિસ બાનો અને તેના વકીલ શોભા ગુપ્તાને નવી બેંચની રચના કરવાની ખાતરી આપી હતી. વકીલ શોભા ગુપ્તાએ આ મામલાની તાત્કાલિક સુનાવણીની જરૂર હોવાનું કોર્ટને જણાવ્યું હતું.
નોંધનીય છે વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા સમય પહેલા જ છોડી દેવામાં આવ્યા હતા. દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ 15 ઓગસ્ટ 2022 ના રોજ ગુજરાતની ગોધરા જેલમાં સજા કાપી રહેલા આ કેદીઓને ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.
બિલ્કીસ બાનોએ 24 જાન્યુઆરીના રોજ દોષિતોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. હાલના દિવસોમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ ઈચ્છામૃત્યુની માંગણીના મામલાની સુનાવણી કરી રહી છે, આવી સ્થિતિમાં બિલ્કીસ બાનોની અરજી પર સુનાવણી થઈ શકી નથી કારણ કે જે ન્યાયાધીશ અરજી પર સુનાવણી કરવાના હતા તે બંધારણીય બેંચનો ભાગ હતા.