‘ભાજપના રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે.’ અમદવાદમાં કોંગ્રેસે લગાવ્યા બેનરો, મુખ્ય સચિવે AMCના અધિકારીઓનો ઉધડો લીધો

આપણું ગુજરાત

Ahmedabad:અમદાવાદ શહેરમાં રવિવારે રાતે પડેલા મુસળધાર વરસાદના કારણે આખું શહેરમાં જળબંબાકાર થઈ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયાં હતાં. જેને કારણે વાહનો, મકાનો અને દુકાનો પાણીમાં ગરકાવ થઇ જતા કરોડો રૂપિયાની સંપતિને નુકશાન પહોંચ્યું હતું. અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા કરાયેલી પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી થઇ ગઈ હતી. ત્યારે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ શાષિત AMC પર કટાક્ષ કરતા બેનરો જોવા મળ્યા હતા. બેનરોમાં પાણી ભરાયેલા વિસ્તારોના ફોટોગ્રાફ લગાવી લખ્યું છે કે ‘ભાજપના રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે અ.મ્યુ.કોર્પોરેશનનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ.’

આજે નેહરુનગર, પરિમલ ચાર રસ્તા, ગીતામંદિર, મણિનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને હાટકેશ્વર ઉપરાંત અન્ય વિસ્તારોમાં આવા બેનરો જોવા મળ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે સોમવારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર સ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.ના કંટ્રોલરૂમ પર પહોંચ્યા હતા. તેમણે મ્યુનિ. કમિશનર લોચન સહેરા સહિતના તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો. મુખ્ય સચિવે સમાચાર માધ્યમોમાં જોયેલા અમદાવાદના દ્રશ્યો અંગે ખુલાસો માંગ્યો હતો. ત્યારે મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદ અપેક્ષા કરતાં વધુ હતો અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમની કેપેસીટી બહાર વરસાદ પડ્યો. આ સાંભળીને મુખ્ય સચિવ ખૂબ ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે, તમે પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિચારી જ ન હતી?
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સત્તાધીસો પર આક્ષેપ કર્યા છે કે, ‘ભાજપના સત્તાધીશોએ ચોમાસા પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી માટે બેઠકો કરી હતી. શહેરમાં ત્રણ વાર સફાઇ કરવામાં આવી હોવાની મોટી મોટી વાતો કરી હતી. પરંતુ આજે તેમની પોલ છતી થઇ ગઈ છે. 2 મહિના પહેલા તમામ ઝોનમાં કેચપીટ સફાઈ અને સ્ટ્રોમ વોટરલાઇનની સાફ-સફાઈ પાછળ રૂ. 6.61 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજી પણ કરોડો રૂપિયાના ડ્રેનેજ સફાઈનાં ટેન્ડરો બહાર પડાયા છે.’
કોંગ્રેસ પક્ષ ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.