પુણેઃ પુણેમાં આજે સવારે 8.30 કલાકની આસપાસ બસ ખીણમાં પડી જતાં 53 લોકોને ઈજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં થયેલો આ બીજો સૌથી મોટો ગમખ્વાર અકસ્માત હતો. મળી રહેલી માહિતી પ્રમાણે આ બસ પુણેથી લાતુર જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર એવું કહેવાઈ રહ્યું છે કે બસના સ્ટિયરિંગનો રોડ તૂટી ગયો હતો અને ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો.
બે અઠવાડિયામાં રાજ્યમાં થયેલો આ બીજો ગમખ્વાર અકસ્માત છે. ગયા શુક્રવારે શિરડી જઈ રહેલી બસ ખાનગી ટ્રક સાથે અથડાતા ઘટના સ્થળે જ 10ના મોત થયા હતા, જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ બધા વચ્ચે આસામથી પણ ગંભીર રોડ એક્સિડન્ટમાં આસામના મોરીગાંવના ધરમતુલ વિસ્તારમાં નેશનલ હાઈવે-37 પર શ્રદ્ધાળુઓને લઈ જતું વેહિકલ એક ટ્રક સાથે અથડાયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે મકરસંક્રાંતિના દિવસે આ તમામ તીર્થયાત્રીઓ લોહિત નદીમાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ દર્દનાક અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલિક મોરીગાંવ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અઠવાડિયામાં બીજો ગમખ્વાર અકસ્માત, પુણેથી લાતુર જઈ રહેલી બસ ખાઈમાં ખાબકી
RELATED ARTICLES