ઘોડાગાડીના અવાજ સાથેનું માંગ કે સાથ તુમ્હારા…કે પછી મદહોશ કરી દેતી મધુબાલા પર ફિલ્માવામાં આવેલું આઈયે મહેરબા, હેલનનું મેરા નામ ચીન ચીન ચુ કે આશાનું એટલું જ દર્દભરેલું ગીત ચૈન સે હમકો કભી, આપને જીને ના દીયા. આ તમામ ગીતોના કમ્પોઝર, સ્પષ્ટ વક્તા અને ખૂબ તરંગી માનવામાં આવતા ઓ.પી નૈયરનો આજે જન્મદિવસ છે. ત્રણેક દાયકાની લાંબી સંગીતસફરમાં અનેક લોકપ્રિય અને સુમધુર ગીતો આપનારા ઓપી નય્યરનો જન્મ લાહોરમાં ૧૬ જાન્યુઆરી ૧૯૨૬ના રોજ થયો હતો.
પરિવારને તેમનો વ્યવસાય ગમતો ન હતો, પરંતુ નય્યરને આ સિવાય કંઈ ગમતું ન હતું. ક્યારેય શાસ્ત્રીય સંગીતની તાલીમ ન લીધેલા નય્યરે ઘણા અવરોધો બાદ ગુરુદત્તની આરપારમાં સંગીત આપી અલગ છાપ ઊભી કરી અને પાછું વાળી ક્યારેય ન જોયું. શંકર-જયકિશને ઊભા કરેલા સામ્રાજ્ય માટે તેમણે મોટો પડકાર ઊભો કર્યો હોવાનું માનવામાં આવે છે. ૧૯૫૬માં રીલિઝ થયેલી સીઆઈડી માટે તેમણે રૂ. એક લાખ ફી લીધી હોવાનું માનવામાં આવે છે. તે સમયે આ રકમ ઘણી મોટી કહેવાતી અને આ પહેલા આટલા પૈસા કોઈને મળ્યા ન હતા.
નય્યર બીજી એક વાત માટે પણ જાણીતા છે. નય્યરે લતા મંગેશકર પાસે એક પણ ગીત ગવડાવ્યું નથી. આસમાન ફિલ્મમાં તેમણે ખાસ લતા માટે ગીત સંગીતબદ્ધ કર્યું હતું, પરંતુ લતાજી મોડા પડ્યા અને આ વાતે બન્ને વચ્ચે અહમનો ટકરાવ થયો તેમ ફિલ્મી પંડિતો કહે છે. આ સાથે આશા ભોંસલેને કોઈએ ઓળખ આપી હોય તો તે ઓપી નય્યરના ગીતોએ આપી છે. બન્ને બહેનો વચ્ચે આ મામલે ખાટુંમોરું થયાનું પણ કહેવાય છે.
અય્યર છેલ્લે સુધી એટલા જ ટ્રેન્ડી અને હટકે રહ્યા. સંગીત હોય, પહેરવેશ હોય કે પછી મોઢા પર બોલી દેવાની આદત તેઓ ક્યારેય બદલાયા નહીં. વર્ષ ૨૦૦૭માં તેઓ ૮૧ વર્ષની ઉંમરે નિધન પામ્યા, પરંતુ કલાકારો ક્યારેય મરતા નથી તેમ નય્યર પણ હિન્દી ફિલ્મસંગીત રસિકોના હૃદયમાં આજે પણ ધબકી રહ્યા છે.