મુંબઈઃ જો તમને પણ સોશિયલ મીડિયા પર એવો મેસેજ આવ્યો હોય કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હોય કે પહેલી જાન્યુઆરીથી 2000 રુપિયાની નોટ બંધ કરીને 1000 રુપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે તો આ દાવા પર આંખ બંધ કરીને ભરોસો કરવા કરતાં પહેલાં તેની સાચી હકીકત આ સમાચારથી જાણી લો. તમારી જાણ ખાતર કે 2000ની નોટ બંધ કરીને 1000 રુપિયાની નવી નોટ લોન્ચ કરવાની સરકારની કોઈ યોજના નથી. સરકારે 2016માં નોટબંધી વખતે 1000 રુપિયાની નોટ બંધ કરીને 2000 રુપિયાની નવી નોટ બહાર પાડી હતી. જોકે, સરકાર દ્વારા એ વાતને પણ સમર્થન આપવામાં આવ્યું હતું કે 2018-19 પછી 2000 રુપિયાની નવી નોટ છાપવા માટેનો કોઈ માંગપત્ર આપવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારની સત્તાવાર ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વીટ કરીને લોકોને આ પ્રકારના બોગસ અને ભ્રામક મેસેજથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આ ટ્વીટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે સરકાર દ્વારા 2000 રુપિયાની નટ પાછી ખેંચવાનો કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.