મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા,પુણે જેવા આઠ શહેરોના આંકડા: સરેરાશ ૫૦ ટકા વધુ ફ્લેટ વેચાયા: સૌથી વધુ મુંબઈમાં
વિપુલ વૈદ્ય
મુંબઈ: ભારતમાં મોંઘવારી અને બેરોજગારી વધી હોવાની બૂમો પડી રહી છે ત્યારે ૨૦૨૨ના વર્ષમાં ઘરોના વેચાણમાં થયેલી વૃદ્ધિના આંકડા અત્યંત ચોંકાવનારા છે. આ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો ૨૦૨૧ના વર્ષની સરખામણીએ ૨૦૨૨ના વર્ષમાં ઘરના વેચાણમાં સરેરાશ ૫૦ ટકાનો વધારો થયો છે, જ્યારે મુંબઈમાં આગલા વર્ષની સરખામણીએ ૮૭ ટકા વધુ ઘરોનું વેચાણ થયું છે. આનાથી પણ વધુ આંચકાજનક બાબત એ છે કે દેશના આઠ શહેરોમાં વેચાયેલા ૩,૦૮,૯૪૦ ફ્લેટમાંથી દર ચોથી વ્યક્તિએ એક કરોડથી વધુની કિંમતના ઘરની ખરીદી કરી છે.
રિયલ એસ્ટેટના ઘરોનું વેચાણ કરતી ઓનલાઈન કંપનીઓ દ્વારા કરાવવામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), દિલ્હી એનસીઆર, અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને પુણે જેવા આઠ શહેરોમાં ૨૦૨૨ના વર્ષમાં વેચાયેલા ફ્લેટને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોનાના વૈશ્ર્વિક રોગચાળા બાદ ફરી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં તેજી જોવા મળી છે અને ગયા વર્ષે ૨,૦૫,૯૪૦ યુનિટના વેચાણની સામે ૨૦૨૨માં (જાન્યુઆરીથી ડિસેમ્બર) ૩,૦૮,૯૪૦ ઘરનું વેચાણ થયું છે. મુંબઈ અને પુણે સતત આખા દેશમાં ઘરના વેચાણમાં અગ્રેસર હોવાનું જોવા મળ્યું છે.
રૂ. ૪૫-૭૫ લાખની રેન્જમાં સૌથી વધુ એટલે કે ૨૬ ટકા ઘરોનું વેચાણ થયું છે. બીજી તરફ એક કરોડથી વધુ કિંમતના ઘરોની માગણીમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળ્યું છે. આ આઠ શહેરોમાં એક કરોડથી વધુ મુલ્યના ૨૨ ટકા ઘરો વેચાયા હતા. જે આખા દાયકામાં સૌથી વધુ હતા. ગ્રાહકોની માગણીને ધ્યાનમાં રાખીને ૨૦૨૨માં બિલ્ડરો દ્વારા બજારમાં મૂકવામાં આવેલા ઘરમાં સૌથી વધુ ૨૮ ટકા ઘરો રૂ. ૧-૩ કરોડની રેન્જમાં હતા. તેના પછી રૂ. ૪૫-૭૫ લાખની રેન્જમાં ૨૭ ટકા નવા ઘરો બજારમાં મૂકવામાં આવ્યા હતા.
આંકડાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે એમએમઆરમાં ૨૦૨૧ના વર્ષમાં ૫૮,૫૬૦ ઘરનું વેચાણ થયું હતું, તેની સામે ૨૦૨૨માં ૧,૦૯,૬૮૦ ઘરનું અને પુણેમાં ૪૨,૪૨૦ ઘરની સામે ૬૨,૦૩૦ ઘરનું વેચાણ થયું હતું. પુણેમાં વૃદ્ધિ ૪૬ ટકા રહી હતી જ્યારે મુંબઈમાં ૮૭ટકાનો વિકાસદર નોંધાયો હતો.
મુંબઈમાં વેચાયા વગરના ઘરો પણ સૌથી વધુ (૩,૦૪,૭૭૦) હોવાનું જોવા મળ્યું હતું. તેના પછી પુણે એ ત્રીજા સ્થાને હૈદરાબાદમાં સૌથી વધુ વેચાયા વગરના ઘરો ઉપલબ્ધ છે.