Homeઉત્સવ૧૯૦૮માં બોમ્બે ટ્રામવેની શરૂઆત થઈ તો તેના ચાલવાથી ટેલિફોનમાં ઘોંઘાટ થવા લાગ્યો...

૧૯૦૮માં બોમ્બે ટ્રામવેની શરૂઆત થઈ તો તેના ચાલવાથી ટેલિફોનમાં ઘોંઘાટ થવા લાગ્યો અને ફરિયાદ વધી પડી

નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા

આ સટ્ટામાં એવું પણ હતું કે કોઈ સવારે ૬ થી બપોરે બાર વાગ્યા સુધીના સમયનો સટ્ટો લગાડે તો તેના બમણા પૈસા નહીં, પણ ઓછા મળતા હતા. સવારથી બપોર સુધી લગાડવામાં આવેલા સટ્ટાના પૈસા પેઢી પરથી રાતે ૯ વાગે ચૂકવી આપવામાં આવતા હતા અને સાંજથી રાતે બાર વાગ્યા સુધીના સટ્ટાના પૈસા બીજે દિવસે સવારે ૯ વાગ્યે પેઢી પરથી ચૂકવવામાં આવતા હતા.
આ સટ્ટાની પ્રતિષ્ઠા એવી હતી કે એમાં છેતરપિંડી કરવામાં આવતી નહોતી.
સટ્ટા પછી શરાબની વાત કરીએ. ઈ.સ. ૧૬૧૭ સુધી અંગ્રેજી શરાબ હિન્દુસ્તાનમાં લાવવામાં આવતા નહોતા. પોર્તુગીઝ અને અંગ્રેજોએ યુરોપના શરાબ અહીં લાવવાનો પ્રારંભ કર્યો હતો. અને મુખ્યત્વે એ શરાબ ગોવા, સુરત અને મુંબઈમાં વપરાતો હતો. દિલ્હીમાં મોગલ દરબારમાં પહોંચાડવામાં આવતો હતો.
મુંબઈમાં ‘પંચ’ નામનો દારૂ ખૂબ જ લોકપ્રિય હતો. અંગ્રેજો એને ‘બોમ્બે પંચ’ તરીકે ઓળખાતા હતા. પંચ એટલે પાંચ. ‘પંચ દારૂ’ એટલે મહુડા કે શેરડીના રસની મલાઈમાંથી બનાવવામાં આવેલા પહેલી ધારના દેશી બેવડામાં લીંબુનો રસ, ગુલાબ જળ, ખાંડ અને પાણી મેળવવામાં આવતાં હતાં.
ઈ.સ. ૧૬૧૭ પહેલાં ટોમ કોરિયટ નામના એક યુરોપિયન ગૃહસ્થે પોતાના મિત્રને પત્રમાં લખ્યું હતું કે હું મારા મિત્રની કુશળતા માટે તાડી પીઉં છું.
અંગ્રેજો અને પોર્તુગીઝો એને ‘પંચ’ (ઙીક્ષભવ) તરીકે ઓળખતા હતા કારણ કે એનો નશો વહેલો ચઢી જતો હતો.
અઢારમી-ઓગણીસમી સદીમાં તો ભંડારી લોકો તાડ અને ખજૂરી પરથી મળસ્કે ત્રણથી ચાર વચ્ચે તાડી ઉતારતા હતા અને પારસી મહોલ્લામાં ટોપલામાં એ મીઠી તાડી ઘડિયાં (માટીનાં વાસણો)માં ભરી સવારે ૪ થી ૫ાંચ વચ્ચે વેચવા જતા હતા અને ‘મીઠો નીરો’ એવી બૂમ મારતા હતા. પારસીઓ એમાં ગુલાબના ફૂલની પાંદડી અને ખડી સાકર ઉમેરીને સૂરજ ઊગે તે પહેલાં પીતા હતા. આ મીઠા નીરાની વાત ઈ.સ. ૧૮૮૯માં છપાયેલા પુસ્તક ‘મુંબઈ ચા વૃત્તાંત’માં પણ જણાવવામાં આવી છે.
……
પહેલ કરવી એ મુંબઈનો મિજાજ છે. અહીં મહાલક્ષ્મી રેસકોર્સ પર સહુથી વધુમાં વધુ રકમ હારી જવાની પહેલને પણ પ્રતિષ્ઠા માનવામાં આવે છે.આવી રીતે પહેલ કરવાના સ્વભાવના કારણે મુંબઈને પ્રતિષ્ઠા પણ એટલી જ મળી છે. આખા ભારતભરમાં સહુથી પ્રથમ ટેલિફોન પદ્ધતિ સ્થાપનાર અને તે પણ ખાનગી ક્ષેત્રે સાહસ કરનાર મુંબઈ છે. ડૉ. એલેકઝાન્ડર ગ્રેહામ બેલની ઈલેક્ટ્રિક સ્પીંકિંગ ટેલિફોન પદ્ધતિ તો એક વર્ષ પછી સ્થિર થઈ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજોનું રાજ સ્થિર થઈ ચૂક્યું હતું. અંગ્રેજ અધિકારીઓને દરિયાઈ જહાજમાં પ્રથમ મુંબઈ બંદરે જ ઊતરવું પડતું હતું. ભારતીય જહાજ વ્યવહારને તોડી પાડવા. બ્રિટિશ જહાજ કંપની પેનીસ્યુલર એન્ડ ઓરિયેન્ટલ સ્ટીમ નેવિગેશન કંપનીની ઓફિસ મુંબઈમાં સ્થપાઈ ચૂકી હતી.
પોતાનાં જહાજોનાં સમારકામ માટે મઝગાંવ ડોકયાર્ડની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ કંપની વિશ્ર્વભરમાં ‘પી એન્ડ પો’ કંપની તરીકે મશહૂર છે. એની કોટ વિસ્તારમાં આવેલી ઓફિસ અને મઝગાંવ ડોક વચ્ચે સારું એવું અંતર છે. એટલે તેની સાથે સંદેશવ્યવહારની મુશ્કેલી અનુભવવી પડતી નહોતી વળી, આધુનિક ટેલિફોન પદ્ધતિની શોધ પણ થઈ નહોતી પી.એન.ઓ. કંપનીએ એક પહેલ કરી. કોટની ઓફિસ અને મઝગાંવ ડોક વચ્ચે ખાનગી જોડાણ કરવામાં આવ્યું અને એ ટેલિફોનમાં સીધી રીતે બોલી શકાય એમ નહીં હોવાથી ડાયલમાં નંબરની જગ્યાએ એ.બી.સી.ડી. એમ આલ્ફાબેટ લગાડવામાં આવ્યા હતા. સામે મૂળાક્ષર ફરતાં કાગળ ઉપર એ અક્ષરો નોંધી લેવામાં આવતાં સંદેશ મળી જતો હતો. આ શરૂઆત ૧૮૭૫ના ઓગસ્ટમાં આજથી ૧૧૩ વરસો પહેલાં થઈ હતી. ત્યારપછી બીજી ખાનગી કંપનીઓએ પણ આ પદ્ધતિ અજમાવી હતી.
ડૉ. એલેકઝાન્ડર ગ્રેહામ બેલનો આધુનિક ટેલિફોન તો ૧૮૭૬માં કામ કરતો હતો. બેલનો ટેલિફોન દુનિયાનો સર્વપ્રથમ ફોન છે અને એ ફોન પર પ્રથમવાર સંભળાયેલા શબ્દો પણ આકસ્મિક છે. બેલ ટેલિફોન વિશે જ સંશોધન કરી રહ્યા હતા ત્યાં ટેબલ પરથી એસીડની બાટલી નીચે ગાલીચા પર પડી ગઈ એમના મદદનીશ બીજા ઓરડામાં હતા; પણ બેલ પોતાની સામાન્ય રીતે જ મેગાફોન સમક્ષ બોલ્યા, ‘મીટર વોટસન, કમ હિયર, આઈ વોન્ટ યુ.’
વોટસનના ટેબલ પરના મેગાફોન પર એ શબ્દો સ્પષ્ટ સંભળાયા અને એ દોડતા અને ખુશ થતા બેલ પાસે પહોંચી ગયા.
૧૮૮૦ના નવેમ્બરમાં બ્રિટિશ સરકારે મુંબઈમાં બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સને જણાવ્યું કે ટેલિફોન જોડાણ સ્થાપવા સરકાર ઈચ્છે છે તો સહકાર આપવો. ૧૮૮૧માં ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીને શહેરમાં કેબલ બિછાવવા દસ વર્ષની મુદતનો કોન્ટ્રેક્ટ આપ્યો; પણ આ કંપની ઝાઝું ટકી શકી નહીં એટલે ઈ.સ. ૧૮૮૨માં રૂા. ૯.૬ લાખની થાપણથી બોમ્બે ટેલિફોન કંપનીની સ્થાપના થઈ. આ કંપનીએ આગલી ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીના સાધન-સામગ્રી જોડાણ, વગેરે ખરીદી લીધું. ૧૮૮૧-૮૨માં મુબઈમાં ૯૦ ટેલિફોનધારકો હતા. એક્સચેન્જ કનેકશન ૮૭ હતાં, ત્રણ પ્રાઈવેટ લાઈન હતી અને આવક મળી હતી રૂા. ૨૫,૧૯૪.
જ્યારે બોમ્બે ટેલિફોન પદ્ધતિ વિધિસર ૧૮૮૨ના જાન્યુઆરીની ૨૮મી તારીખે શરૂ થઈ ત્યારે ૯૦ ટેલિફોનધારકો મુંબઈ શહેરમાં હતા. વાર્ષિક આવક રૂા.૨૫,૧૯૪ની થઈ હતી. ૧૯૧૦-૧૧માં વાંદરા અને ઘાટકોપર ખાતે બે વધુ ટેલિફોન એક્સચેન્જ સ્થાપવામાં આવ્યાં હતાં. ૧૯૨૧માં બોમ્બે ટેલિફોન કંપની ૬૦૦૦ ટેલિફોનધારકોની સેવા બજાવતી હતી.
જ્યારે ૧૯૦૮માં બોમ્બે ટ્રામવેની શરૂઆત થઈ તો તેના ચાલવાથી ટેલિફોનમાં ઘોંઘાટ થવા લાગ્યો અને ફરિયાદ વધી પડી. એટલે જમીનમાં કેબલ નાખવાની શરૂઆત કરવામાં આવી. આ પહેલાં તાર થાંભલાઓ નાખી ઉપર ગોઠવવામાં આવતા હતા.
૧૯૩૭માં કાંદિવલીને એક્સચેન્જ મળ્યું તો કોલાબા એક્સચેન્જ ૧૯૪૦માં સ્થપાયું. ૧૯૪૩માં સરકારે બોમ્બે ટેલિફોન કંપની પોતાને હસ્તક લઈને પોસ્ટ અને ટેલિગ્રાફ ખાતાને સુપ્રત કરી. આજે તો મુંબઈ શહેર ઉપનગરોમાં એક કરોડની વસ્તીમાં લાખો ટેલિફોનો છે ત્યારે ૧૯૫૧ના માર્ચ મહિનામાં ૯ એક્સચેન્જ અને ૨૯,૩૦૦ કનેકશન હતા.
જેમ જેમ વખત વીતતો રહે છે તેમ તેમ ભૂતકાળ વધુ અને વધુ સુખદ અને રમ્ય લાગતો રહે છે. પ્રાચીન મુંબઈ વિશે અનેક વાર વિવિધ પ્રદર્શનો યોજાઈ ગયાં છે અને આ મહિને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોલાબા-કુલાબા વિશે પ્રદર્શન યોજાયું છે. જેમ મુંબઈ નામ વિશે અનેક મત પ્રવર્તે છે તેમ કોલાબા વિશે પણ વિવિધ મત પ્રવર્તે છે. સાચું નામ કોલાબા કે કુલાબા? આજે તો મુંબઈ શહેરના હાર્દસમા સ્થળ તરીકે કોલાબાની ગણના થાય છે, પણ સત્તરમી સદી સુધી કોલાબાની ગણના એક સામાન્ય ટાપુ તરીકે થતી હતી. અહીં માછલાં પકડવાનો વ્યવસાય ચાલતો હતો, ઢોર ચલાવવામાં આવતાં હતાં.
આ ટાપુ પર જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. તે સમયે મુંબઈ શહેરના મુખ્ય વિસ્તાર તરીકે કોટ-ગીરગાંવની ગણના થતી હતી અને મુખ્ય ટાપુમાં મઝગાંવ અને પરેલનું મહત્ત્વ હતું. આજે કોલાબાનું મહત્ત્વ એટલું વધી ગયું છે કે અહીં નાનકડો ફ્લેટ કે નાનકડી ઓફિસ મેળવવા કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. કોલાબા જૂના જમાનામાં માછલી પકડવાનો વ્યવસાય કરનાર કોલીઓનો ટાપુ હતો. આથી એ ટાપુને લોકો કુલાબા તરીકે ઓળખતા હતા. કોલી માટે સંસ્કૃત ભાષામાં કુલ શબ્દનો પણ ઉપયોગ
થયો છે.
(ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular