ઇમરાન ખાનનું જેલ ભરો આંદોલન સ્થગિત
પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણીને લઈને ચાલી રહેલા લાંબા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને પ્રાંતોમાં બંધારણ મુજબ 90 દિવસમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની ચૂંટણીની જાહેરાત બાદ ઇમરાન ખાને તેનું ‘જેલ ભરો’ આંદોલન સ્થગિત કર્યું છે. બંને પ્રાંતોમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં વિલંબને લઈને કોર્ટે પોતે સંજ્ઞાન લીધું હતું અને ગયા સપ્તાહે કાર્યવાહી શરૂ કરી હતી.
14 અને 18 જાન્યુઆરીના રોજ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા એસેમ્બલીઓને ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટી દ્વારા બરખાસ્ત કરવામાં આવી હતી અને દેશમાં સમયથઈ પહેલા સામાન્ય ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. મુખ્ય ન્યાયાધઈશ ઉમર અતા બાંદિયાલની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે ત્રણના બહુમતથી આ નિર્ણય જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. હાલમાં હંગામી સરકાર દ્વારા આ બંને પ્રાંતનું પ્રશાસન ચાલી રહ્યું છે.
સર્વોચ્ચ અદાલતે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના રાજ્યપાલને પ્રાંતીય ચૂંટણીની તારીખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચે પરામર્શ કર્યા બાદ પંજાબ માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવી જોઈએ.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ આ ચૂકાદાને બંધારણની જીત ગણાવી છે અને જણાવ્યું છે કે તેમની પાર્ટી ટૂંક સમયમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે.