આવેશનું અવિચારી પગલું આત્મહત્યા

ઇન્ટરવલ

મગજ મંથન-વિઠ્ઠલ વઘાસિયા

વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અવકાશ ક્ષેત્રે અવનવી શોધખોળો કરી છે. આમ છતાં માણસ દુ:ખી છે. દુ:ખનું કારણ છે શાંતિનો અભાવ. માણસ પોતાના દીવાનખાનાના સોફામાં બેઠાં બેઠાં વિશ્ર્વની કોઈ પણ વ્યક્તિ સાથે એક સેક્ધડમાં સંપર્ક કરી શકે છે. ઈ-મેઇલ, સાઇબર સ્પેસ, ઇન્ટરનેટ વગેરે દ્વારા તે વિશ્ર્વની અદ્યતન માહિતી મેળવી શકે છે, પણ ‘ખાટલે મોટી ખોટ’ એ છે કે એ સોફામાં તેઓની સાથે બેઠેલાં પતિ-પત્ની, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર કે સાસુ-વહુ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી હોતું. મનમેળ નથી જોવા મળતો.
આજના સમયમાં માનસિક તાણ દિન-પ્રતિદિન વધતી જાય છે. વધારે પડતો કામનો બોજો, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા જેવાં અનેક કારણોને લીધે માનસિક તાણ સતત વધતી જાય છે. માણસની જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષા પણ વધતી જાય છે. જરૂરિયાત વધવાનું કારણ છે જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન. આજનો માણસ મોજશોખ, દેખાદેખી અને અનુકરણના લીધે આર્થિક ભીંસ અનુભવે છે. મારા પાડોશીએ ફ્રિજ લીધું, મોટું ટીવી લીધું, ગાડી લીધી. મારે તો સ્કૂટરથી ચલાવવું પડે છે! આવી બધી જિજીવિષા પૂરી કરવા માણસે તનતોડ મહેનત કરવી પડે છે. મહેનત કરવા છતાં બે છેડા ભેગા ન થાય ત્યારે આપઘાત જેવા રસ્તા પસંદ કરવા પડતા હોય છે. ઘણી વખત પાષાણ હૃદયના માનવીને પણ હચમચાવી દે એવા હૃદયદ્રાવક કિસ્સા વાંચવા મળે છે. તાજેતરમાં અમદાવાદમાં એક પોલીસકર્મી પોતે, પત્ની અને દીકરી સાથે સામૂહિક આપઘાત કરે છે. ક્રૂર રીતે થયેલા આ આપઘાતની વિગત વાંચીને પાષાણ હૃદયનો માનવી પણ દ્રવિત થઈ જાય. આજકાલ આ પ્રકારના સામૂહિક આપઘાતના કિસ્સા વધતા જાય છે.
ગુજરાતની જ જો વાત કરીએ તો ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં આત્મહત્યાના કિસ્સા છેલ્લાં ત્રણ વર્ષમાં વધ્યા છે, આથી કહી શકાય કે અર્બન વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં આત્મહત્યા વધારે થાય છે. ગુજરાતમાં ૨૦૨૧માં બનેલી ૮,૭૮૯ આત્મહત્યાની ઘટનામાંથી સૌથી વધારે ૨,૪૬૫ મોત કૌટુંબિક કારણોસર, ૧,૭૮૮ મોત બીમારીના કારણોસર અને ૬૩૫ મોત પ્રેમમાં નિષ્ફળતા મળવાથી થયાં હતાં. જ્યારે ૧,૯૨૬ આત્મહત્યાનાં કારણો જાણી શકાયાં નથી.
આપણા પૂર્વજો કહેતા કે ‘પછેડી જેવડી સોડ તાણવી જોઈએ.’ અર્થાત્ આવકની મર્યાદામાં જીવવું જોઈએ. પૂર્વજોને કોઈ સુખસુવિધા નહોતાં મળતાં તેમ છતાં ખુશમિજાજમાં જીવતા. સંયુક્ત કુટુંબની જે ભાવના હતી તે નોંધવા જેવી બાબત છે. આજે કુટુંબ વિભક્ત થઈ રહ્યાં છે. અરે, મા-બાપને એક જ દીકરો હોય તો પણ અલગ રહેતો હોય એવું જોવા મળે છે. વિભક્ત કુટુંબમાં ઊછરતાં બાળકનો જોઈએ તેવો સાંવેગિક વિકાસ થતો નથી. ફાસ્ટ લાઇફમાં પતિ-પત્ની જોબ કરતાં હોય, ત્યારે આ બાળકને સમજણના પાઠ કોણ ભણાવે? બાળકને મોટા થયા પછી આવનારી મુશ્કેલી કે સમસ્યાનો સામનો કેવી રીતે કરવો એની સમજણ કે હિંમત તેમનામાં રોપવામાં જ આવી નથી. સંયુક્ત કુટુંબમાં આ બધું શક્ય હતું. દાદા-દાદી કે અન્ય વડીલો આ ભૂમિકા ભજવતાં, તેથી બાળપણથી જ બાળકમાં આવા ગુણ રોપાઈ જતા. એ જમાનામાં બપોર અને સાંજનું મેનુ ફિક્સ હોય. જમવામાં કોઈ વરાઈટી નહીં. થીંગડાં મારેલાં કપડાં પહેરવામાં પણ કોઈ શરમ અનુભવતા નહોતા. એટલે જ સુખી હતા. એટલે જ એ સમયે કોઈને આપઘાત કરવો નહોતો પડતો. આજકાલ ઘણી બધી આર્થિક સમૃદ્ધિ હોવા છતાં આપઘાતનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે અત્યારના લોકોને સુખી ગણવા કે એ સમયના પૂર્વજોને?
મનુષ્યનાં સુખ-શાંતિ હણનાર એક ભયંકર રાક્ષસ આધુનિક યુગમાં ઊભો થયો છે. એ છે, ઉપભોક્તાવાદ! જેમ જેમ સુખસગવડનાં સાધનો વધતાં જાય છે અને વિકસતાં જાય છે, તેમ તેમ તે વધુ ને વધુ પ્રમાણમાં સુખ મેળવવાની ઘેલછા પણ વધતી જાય છે. બંગલા, મોંઘી મોટરગાડીઓ, કીમતી વસ્ત્રો, મૂલ્યવાન આભૂષણો, વિમાનની આરામદાયી મુસાફરી, વિદેશનો વૈભવી પ્રવાસ, આ બધાની ઘેલછા જેમ જેમ ધનસંપત્તિ વધે તેમ તેમ વધતી જ જાય છે. તેની પૂર્તિ માટે વધારે ધન કમાવાની જરૂર પડે છે. વધારે ધન મળે એટલે વધારે ઉપભોગ થાય. આમ શાંતિ અને ઉપભોગનું વિષચક્ર રચાય અને આ વર્તુળ ઉત્તરોત્તર મોટું ને મોટું થતું જાય છે.
સુખસગવડનાં સાધનો વધ્યાં છે, પણ આજે મનુષ્ય પોતાની જાતને સલામત માનતો નથી. સલામતીની ભાવના ઘટતી જાય છે. જીવનની નિશ્ર્ચિતંતા અને હળવાશ મનુષ્યે ગુમાવી દીધાં છે. ભવિષ્યની ચિંતા પણ મનુષ્યને કોરી ખાય છે. વિદ્યાર્થીઓને ઇચ્છિત વિદ્યાશાખામાં એડમિશન મળશે કે કેમ, અભ્યાસ પૂરો કરી લીધા પછી સારી નોકરી મળશે કે કેમ, નોકરી મળ્યા પછી એ ટકી રહેશે કે કેમ, આ બધી ચિંતાઓ સતાવતી રહે છે, કારણ કે તેના પર મા-બાપનું સતત પ્રેશર અને ટોક ટોક ચાલુ જ હોય છે. તારે ભણીને આ જ બનવાનું છે, આટલા ટકા તો આવવા જ જોઈએ. બાળકની ક્ષમતા અને ખામીઓને ઓળખ્યા વગર તેના પર આપણાં સપનાંઓ થોપી દેતા હોઈએ છીએ. કુટુંબના વડીલોએ બાળકો પાસેથી ભણતરની અપેક્ષાનો બોજ ઘટાડી દેવાનો સમય પાકી ગયો છે. તો વળી, યુવાનોને ઇચ્છિત પાત્ર મેળવવાની ચિંતા છે. ઈચ્છિત પાત્ર ન મળવાને લીધે પણ ઘણા યુવાનો આપઘાત કરી લેતા હોય છે. મા-બાપને પોતાનાં સંતાનો ઠેકાણે પાડવાની ચિંતા છે. વૃદ્ધોને પોતાના જીવનની સતત ચિંતા રહ્યા કરે છે. વૃદ્ધોને અસલામતીનો અનુભવ સતત થયા કરે છે. જેમની પાસે પૈસા છે, તેઓ તો વધારે અસલામતી અનુભવે છે. તો વળી જે સત્તા પર છે, તેવા સત્તાધારીઓ પોતાની સત્તા ક્યારે ચાલી જશે, તેનાં ભય અને ચિંતામાં સતત જીવતા હોય છે.
કોઈ બેંક નિષ્ફળ જાય ત્યારે હજારો થાપણદારોનું જીવન અસલામત બની જતું હોય છે. જીવનભર મહામહેનતે બચાવેલી મૂડીથી વૃદ્ધાવસ્થા આરામથી ગાળી શકાશે, એવા ઉમદા આશયથી બેંકમાં વ્યાજે મૂકેલાં નાણાં પાછાં નહીં મળે એવી જ્યારે જાણ થાય ત્યારે અસંખ્ય લોકો દુ:ખી બની જતા હોય છે. આવી જ રીતે શેરબજારમાં જ્યારે મંદી આવે ત્યારે કેટલાય લોકોના શેરમાં રોકેલાં નાણાં ડૂબી જતાં હોય છે અને આ આઘાત ન જીરવી શકતા કેટલાય લોકો આપઘાત કરવા પ્રેરાય છે.
આધુનિક યુગની એક બીજી મોટી સમસ્યા છે જૂની-નવી પેઢી વચ્ચેનું અંતર, જેને ‘જનરેશન ગેપ’ તરીકે આપણે જાણીએ છીએ. ‘પણ મારા પપ્પા મને સમજતા જ નથી. તું એમ.બી.બી.એસ.ની પરીક્ષા આપીને ડોક્ટર બની જા. મારી ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે, પણ મને ડોક્ટર બનવામાં બિલકુલ રસ નથી. મારે તો લિટરેચર ભણવું છે. નિજાનંદમાં જીવવું છે.’
સામે માતા-પિતાની એવી ફરિયાદ હોય છે કે એમનાં સંતાનો એમનું કહ્યું માનતાં નથી અને આમાંથી સર્જાય છે સંઘર્ષ, ખેંચતાણ, તનાવ અને મતભેદ. માતા-પિતા, વડીલોની એવી અપેક્ષા હોય છે કે અમે જેમ કહીએ તેમ જ થવું જોઈએ. આજની યુવા પેઢી તેમ કરવા તૈયાર નથી. આજના યુવાનોને પોતાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ પ્રમાણે જીવન જીવવું છે, પ્રવૃત્તિ કે અભ્યાસ કરવો છે. આમ બે પેઢી વચ્ચેનો સંઘર્ષ કુટુંબ અને પરિવારમાં અશાંતિ સર્જે છે. સમૃદ્ધિ હોવા છતાં પણ ઘરમાં સુખશાંતિ રહેતાં નથી અને ઘણી વખત આપઘાતના કિસ્સા પણ બનતા જોવા મળે છે.
ઉપર વર્ણવેલી બાબતો ઉપરાંત પણ આજે લોકો વ્યાજખોરોના દબાણને લીધે આપઘાત કરવા તરફ વળે છે. પ્રેમમાં નિષ્ફળ જવાથી યુવક અને યુવતી અથવા તો બંને એકસાથે આપઘાત કરતાં જોવા મળે છે. પતિ-પત્નીના આડા સંબંધો પણ આપઘાતમાં નિમિત્ત બનતા હોય છે. અસાધ્ય રોગની પીડા કે પછી વૃદ્ધાવસ્થાની યાતના પણ આપઘાત કરવા મજબૂર કરતા હોય છે.
જીવનમાં જરૂરી સુખ-શાંતિ મેળવવા કે પછી આવી અઘટિત ઘટનાઓ રોકવાનો ઉપાય શું? મનોવિજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે ધ્યાન અને યોગનો સહારો જ માત્ર આનો ઉપાય હોઈ શકે. આજે વિશ્ર્વમાં અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓના માનસિક સંતુલન માટે ખૂબ ઊંચી ફી ચૂકવીને મોટિવેશનલ સ્પીકરને બોલાવીને કર્મચારીઓમાં તાણ દૂર કરવાના પ્રયત્નો કરે છે. તાણ દૂર કરવા માટે ધ્યાન ખૂબ ઉપયોગી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડો. હર્બર્ટ બેન્સને પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ધ્યાનની મન પર એટલી હદ સુધી અસર થાય છે કે બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. સામાન્ય રીતે મગજને ૨૦ ટકા રક્તની જરૂર પડે છે, પણ જો મગજમાં તાણ હોય તો વધારે રક્ત જોઈએ. મગજ આ વધારાનું રક્ત પેટ કે કરોડરજ્જુના સ્નાયુઓમાંથી લઈ લેશે, આથી અલ્સર, હૃદયરોગ, સ્પોન્ડિલિસિસ જેવા રોગ થાય છે.
આમ આધુનિક યુગમાં ધ્યાન શિબિરો અને યોગ શિબિરો દ્વારા તાણ દૂર કરવાના વર્ગોનું પ્રમાણ વધતું જાય છે. પ્રાણીક હીલિંગ, રેકી કે વિપશ્યના ધ્યાન જેવાં માધ્યમો દ્વારા વિશ્ર્વના ઘણા લોકો શાંતિના માર્ગે વળ્યા છે. બર્મા જેવા દેશમાં તો વિપશ્યના દ્વારા કર્મચારીઓમાં નિયમિતતા, નિષ્ઠા અને પ્રામાણિકતા જેવા ગુણો વિકસાવવા અનેક પ્રયોગો થયા છે. સફળતા પણ મળી છે. વડા પ્રધાન મોદીસાહેબ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી સરકારી કર્મચારીઓને પણ વિપશ્યના સાધનામાં જોડાવા માટે ઓન ડ્યુટી દસ દિવસની રજા મંજૂર કરવામાં આવે છે.
જાપાનના ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ કસ્માત્સુ અને હીરોઈએ ઈ.ઈ.જી. દ્વારા જેન સાધુ ધ્યાન કરતા હતા, ત્યારે તેના મગજ પરની અસરો વિશે પ્રયોગો કર્યા. તેમણે પહેલાં તો દસથી બાર સી.પી.એસ.ના આલ્ફા તરંગો જોયા. પછી ફ્રિક્વન્સી ઘટીને નવથી દસ સી.પી.એસ. થઈ ગઈ અને પછી ચારથી સાત સી.પી.એસ.ના થીટા તરંગો દેખાયા. થીટા તરંગો ચિત્તની પ્રશાંતિની માત્રાના સૂચક છે. આમ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું કે ધ્યાન મનને શાંત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.