વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે કોપર, ઝિન્ક અને ટીનમાં સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમુક ધાતુઓના પુરવઠામાં ઘટાડો થતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે એલ્યુમિનિયમ સિવાયની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં કોપર, ઝિન્ક, ટીન અને બ્રાસ શીટ કટિંગ્સમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટી આવ્યા હતા અને અન્ય ધાતુમાં ટકેલું વલણ રહ્યું હતું. વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં છેલ્લા બે મહિનામાં ઝિન્કના ભાવમાં ૨૦ ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે ઊંચા ઈંધણખર્ચને કારણે અમુક સ્મેલ્ટરોના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હોવાથી લંડન મેટલ એક્સચેન્જના અધિકૃત ગોદામોમાં સ્ટોક ઘટ્યો હોવાના નિર્દેશ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ઝિન્કના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધથી ૨.૯ ટકા ઉછળીને ટનદીઠ ૩૬૧૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય લીડના ભાવમાં ૧.૬ ટકાનો, ટીનમાં ૧.૫ ટકાનો અને કોપરમાં ૦.૩ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમના ભાવ ૦.૧ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૩૦૧૦, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૯ વધીને રૂ. ૭૫૮, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૮ વધીને રૂ. ૩૨૩, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૩૮ અને રૂ. ૬૬૮, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૭૨૯ અને રૂ. ૫૬૨ તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૭૧૮ના મથાળે રહ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.