(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૩ અને રૂ. પાંચનો ઉછાળો આવ્યો હતો. આમ નિકલની આગેવાની હેઠળ કોપરની અમુક વેરાઈટીઓ, બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૪નો સુધારો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો અને એલ્યુમિનિયમમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૩૩ વધીને રૂ. ૧૮૯૦ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૭૧૧, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૬૬૯, રૂ. ૬૬૦, રૂ. ૪૭૮ અને રૂ. ૩૨૫, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને રૂ. ૬૭૪ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૫૨૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૨૧૦૦ના મથાળે અને ખપપૂરતી માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૪ અને રૂ. ૨૧૮ના મથાળે ટકેલા રહ્યા હતા.

Google search engine