Homeવેપાર વાણિજ્યસોનામાં માગ વધતાં ફેબ્રુઆરીમાં આયાત ૩૦ ટન કરતાં વધવાની શક્યતા

સોનામાં માગ વધતાં ફેબ્રુઆરીમાં આયાત ૩૦ ટન કરતાં વધવાની શક્યતા

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગત સપ્તાહે જાહેર થયેલી મિનિટ્સમાં ઘણાંખરા નીતિ ઘડવૈયાઓ ઓછી માત્રામાં વ્યાજદર વધારો કરવા બાબતે સહમત થવાની સાથે વ્યાજદરમાં વધારા અંગેનો નિર્ણય આગામી આર્થિક ડેટા પર અવલંબિત રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો. જોકે ગત સપ્તાહે બેરોજગારી ભથ્થું મેળવવા માટેના અરજદારોની સંખ્યામાં ઘટાડો થયો હોવાથી પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર (વ્યક્તિગત વપરાશી ખર્ચ)નો આંક જે અગાઉ ૩.૨ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો તે વધારીને ૩.૭ ટકા કરવામાં આવ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ જાળવી રાખે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતાઈ સાથે સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, પરંતુ ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. ૫૬,૧૭૫ સામે સુધારાના ટોને રૂ. ૫૬,૫૮૭ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૫૬,૬૦૧ અને નીચામાં રૂ. ૫૫,૯૫૭ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૨૧૮ અથવા તો ૦.૩૮ ટકાના ઘટાડા સાથે સપ્તાહની નીચી રૂ. ૫૫,૯૫૭ની સપાટીએ બંધ રહ્યા હતા. એકંદરે ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળતાં દેશભરમાં કરેક્શનની રાહ જોઈ રહેલા જ્વેલરો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી નીકળી હોવાનું રિદ્ધિસિદ્ધિ બુલિયનના ડિરેક્ટર મુકેશ કોઠારીએ જણાવતા ઉમેર્યું હતું કે આ મહિનાના આરંભે સ્થાનિકમાં સોનાના ભાવ જે વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૮૪૭ના મથાળે હતા તેની સામે હવે ઘટીને રૂ. ૫૫,૬૫૦ આસપાસ રહેતાં માગ ખૂલવાનો માર્ગ મોકળો થયો હતો.
એકંદરે સ્થાનિકમાં ઘટ્યા મથાળેથી માગ ખૂલતાં ઘણી બૅન્કોએ સોનાની ખરીદી શરૂ કરી હોવાથી ફેબ્રુઆરીમાં દેશની સોનાની આયાત ૩૦ ટન કરતાં વધુ રહે તેવી શક્યતા એક ડીલરે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે માગને ટેકે ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧.૫૦ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે કોવિડ-૧૯ મહામારીનો અંત આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવવાની સાથે સપ્તાહ દરમિયાન સોનાના ભાવ પણ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ આવતાં મજબૂત માગ રહી હતી. વધુમાં વૈશ્ર્વિક સ્તરે પ્રવર્તી રહેલી રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિને કારણે રોકાણકારોની સલામતી માટેની માગ ઉપરાંત પીપલ્સ બૅન્ક ઑફ ચાઈના તેની અનામત વિકેન્દ્રિત કરી રહી હોવાથી સરકારી ખરીદીનો પણ ટેકો મળી રહ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.
અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યામાં અનપેક્ષિતપણે નોંધપાત્ર ઘટાડો થવાની સાથે વ્યક્તિગત ધોરણે ખર્ચમાં પણ વધારો થવાથી ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવામાં આક્રમક અભિગમ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીમાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ રહેતાં ડૉલરમાં મજબૂતાઈ મર્યાદિત રહી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરના અમેરિકાના આર્થિક ડેટાઓ ફેડરલ વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ અપનાવે તેવી શક્યતા પ્રબળ બની રહી હોવાથી આગામી સપ્તાહે કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૮૦ ડૉલર સુધી ઘટી શકે તેમ છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સપ્તાહ દરમિયાન ભાવની રેન્જ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૬૦૦થી રૂ. ૫૬,૭૦૦ આસપાસ રહે તેવી શક્યતા નકારી ન શકાય. ગત સપ્તાહના અંત પૂર્વે ફેડરલના અપેક્ષિત આક્રમક અભિગમની ભીતિ હેઠળ ડૉલર ઈન્ડેક્સ વધીને સાત સપ્તાહની ઊંચી સપાટીએ રહેવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ સતત પાંચમા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે સુધારાતરફી વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮૧૦.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮૧૭.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ડ્યુરેબલ ગૂડ્સ ડેટા અને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ડેટા પર સ્થિર થઈ છે. જોકે આ બન્ને ડેટા પ્રોત્સાહક આવે તેવી ધારણા મુકાઈ રહી છે જે અમેરિકી અર્થતંત્ર નબળું નથી પડી રહ્યું એવા સંકેત આપતાં ફરી ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવશે, એમ ઓએએનડીએના સિનિયર એનાલિસ્ટ એડવર્ડ મોયાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના આર્થિક ડેટા મજબૂત આવતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular