મુંબઈઃ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. દસમા તેમ જ બારમા ધોરણના વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 10 મિનિટનો સમય વધારી આપવા માટેની માગણી પ્રિન્સીપલ દ્વારા કરવામાં આવી હતી.
પેપર લીક થવાની ઘટનાઓને રોકવા માટે પરીક્ષાનો સમય શરૂ થાય ત્યારે જ પેપર આપવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સમય ઓછો થશે એટલે તેમને 10 મિનિટનો સમય વધારી આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. હવે આ બાબતે બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
આ વર્ષે દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 10 મિનિટ ઓછી મળશે. આ પહેલાં પરીક્ષાનો સમય શરૂ થાય એની 10 મિનિટ પહેલાં વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવતું હતું જેથી તેઓ સારી રીતે પ્રશ્નપત્રિકા વાંચી શકે. પરંતુ આ જ સમયગાળામાં પેપર લીક થવાની ઘટના બનવા લાગતા બોર્ડ દ્વારા હવે પરીક્ષાનો સમય શરૂ થાય એ સમયે જ પેપર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દસમા ધોરણની પરીક્ષાના સમયમાં કોઈ પણ પ્રકારનો કાપ નથી મૂકવામાં આવ્યો એવો ખુલાસો પણ ગોસાવીએ કર્યો હતો.
વિદ્યાર્થીઓને પેપર લખવાની શરૂઆત કરતાં પહેલાં પ્રશ્નપત્રિકા યોગ્ય રીતે વાંચી શકાય એ માટે 10 મિનિટનો સમય આપવામાં આવતો હતો અને એ જ સમયગાળા દરમિયાન પેપપ ફૂટવાની ઘટનાઓ વધવા લાગી હોવાને કારણે આ દસ મિનિટ રદ કરવામાં આવી હોવાનું ગોસાવીએ વધુમાં ઉમેર્યું હતું.
વિદ્યાર્થીઓને હવે પરીક્ષાનો સમય શરૂ થયા બાદ જ પેપર આપવામાં આવશે. સવારે 11 વાગ્યાના પેપર માટે 10.30 કલાકે અને બપોરે 3 વાગ્યાના પેપર આપવા માટે વિદ્યાર્થીઓએ 2.30 કલાકે એક્ઝામ સેન્ટર પર પહોંચવાનું રહેશે.