(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લાં થોડા મહિનાથી વાતાવરણમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો છે, તેની સામે સરકારની નિષક્રિયતાની ભારે ટીકા થઈ રહી છે ત્યારે જાગેલી રાજ્ય સરકારે મુંબઈના હવા પ્રદૂષણને નિયંત્રણ માટે ઍક્શન પ્લાન તૈયાર કરીને તેને અમલમાં મૂક્યો હોવાનો દાવો કર્યો છે. તેમ જ આગામી રવિવારે પ્રદૂષણ પર સરકારની એક મહત્ત્વની બેઠક પણ યોજાવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાએ વાતાવરણમાં સતત વધી રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ઉપાયયોજના માટે એડિશનલ કમિશનર સંજીવકુમારના નેતૃત્વમાં એક સમિતિની સ્થાપના કરી છે, તેની તાજેતરમાં એક બેઠક પણ યોજાઈ હતી. ત્યારે ગુરુવારે વિધાનસભામાં મુંબઈમાં વધતા પ્રદૂષણ અને તેને કારણે હવાની ગુણવત્તાને થઈ રહેલી અસરને મુદ્દે ધ્યાન આકર્ષક સૂચના માંડી હતી, તેના પર જવાબ આપતા રાજ્યના એજ્યુેકશન મિનિસ્ટર દીપક કેસરકરે કહ્યું હતું રવિવારે મુંબઈમાં વધતા પ્રદૂષણને મુદ્દે એક મહત્ત્વની બેઠક રાખવામાં આવી છે.
વિધાનસભામાં જવાબ આપતા કેસરકરે કહ્યું હતું કે મુંબઈ અને પરિસરમાં પાયાભૂત સુવિધાના અનેક કામ મચાલી રહ્યા હોઈ પ્રદૂષણ વધી ગયું છે. મુંબઈમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે અને ચોક્કસ કયાં પગલાં લેવા તેના પર ૧૯ માર્ચ, રવિવારના બેઠક થવાની છે, જેમાં આ વિષયના નિષ્ણાતો અને સમિતિના સભ્યો તેના પર ચર્ચા કરશે. હવામાં પ્રદૂષણનું સ્તર ઓછુ કરવા માટે પાયાભૂત પ્રોજેક્ટમાં નવી ટૅક્નોલોજીનો ઉપયોગ, બાંધકામના ઠેકાણે ધૂળનું પ્રમાણ ઘટાડવા બેરિયર્સ અને પતરાં લગાડવા જેવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.