મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદના નાયબ સભાપતિ નીલમ ગોરેએ શિવસેનાના (ઉદ્ધવ બાળસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત પરના હકભંગના પ્રસ્તાવ પર શનિવારે નિર્ણય નહીં લેતા તેને રાજ્યસભામાં મોકલી દીધો હતો, જેના પર હવે રાજ્યસભાના નાયબ સભાપતિ જગદીપ ધાન્કર નિર્ણય લેશે. વિધાનસભાને ‘ચોરમંડળ’ કહેવા બદલ સંજય રાઉતને હકભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. વિધાનસભા સચિવે પહેલી માર્ચના નોટિસ આપીને તેમને ૪૮ કલાકની મુદત આપી હતી. આ મુદત પૂરી થઈને લગભગ પાંચ દિવસ થયા બાદ રાઉતે વિધાનસભા સચિવને પત્ર લખીને વધુ આઠ દિવસની મુદત વધારી આપવા કહ્યું હતું. જોકે તેમણે નોટિસ પર કોઈ ખુલાસો નહીં મોકલતા વિધાનસભા અધ્યક્ષે આ પ્રકરણ વિશેષાધિકાર સમિતિને મોકલ્યું હતું.
વિધાનપરિષદમાં શનિવારે નાયબ સભાપતિ નીલમ ગોરેએ કહ્યું હતું કે સંજય રાઉતે પોતાના જવાબમાં વિશેષાધિકાર સમિતિની રચના, તેની નિષ્પક્ષતા અને કાર્યપદ્ધતિ અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. સંજય રાઉત રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ હોવાથી તેઓ વિશેષાધિકાર સમિતિ સામે પ્રશ્ર્ન ઉઠાવે એ અપેક્ષિત નહોતું. હું અંગત રીતે તેમના જવાબથી સહમત નથી. તેમનો જવાબ અસમાધાનકારક છે. તેથી હકભંગના નોટિસ પર યોગ્ય પગલા લેવા માટે તેને તેઓ રાજ્યસભાના ચૅરમૅન અને ઉપરાષ્ટ્રપતિ પાસે મોકલી રહ્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ કહ્યું હતું કે, રાઉત તરફથી હકભંગના પ્રસ્તાવ પર આવેલો જવાબ સમાધાનકારક નથી. તેમના નિવેદનને કારણે વિશેષાધિકારનો ભંગ થયો છે. પરંતુ નિયમ તેઓ રાજ્યસભાના સભ્ય હોઈ આ પ્રકરણને રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યું છે. નાર્વેકરે વધુમાં કહ્યું હતું કે વિધાનસભા અને વિધાનપરિષદ પરિસરમાં સભ્યોના આચરણ માટે પ્રમાણભૂત કાર્યપ્રણાલી બે અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે.
(પીટીઆઈ)