મુંબઈ સહિત રાજ્યભરમાં હજુ રહેશે મેઘમહેર, જાણો હવામાન ખાતાએ શું કરી આગાહી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: છેલ્લા થોડા દિવસથી મુંબઈ-થાણેમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પણ જુદા જુદા ભાગમાં વરસાદે જોરદાર હાજરી પુરાવી છે. હવામાન ખાતાએ મુંબઈ સહિત રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ વરસાદનું જોર રહેવાની આગાહી કરી છે.
મુંબઈ સહિત થાણેમાં આગામી બે-ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે એવી હવામાન ખાતાની આગાહી વચ્ચે મુંબઈ, થાણે, નવી મુંબઈમાં વરસાદના જોરદાર ઝાપટાં પડવાનું ચાલુ જ છે. મુંબઈમાં મંગળવાર સવારના ૮ વાગ્યાથી બુધવાર સવારના ૮ વાગ્યા સુધીના સમયગાળામાં દક્ષિણ મુંબઈમાં ૪૧.૨૦ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૩૮.૮૯ મિ.મી., પશ્ર્ચિમ ઉપનગરમાં ૩૯.૦૪ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન મુંબઈની નજીક આવેલા ભિવંડીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હોવાની ફરિયાદ આવી હતી.

YouTube player

પુણે, રાયગઢ, રત્નાગિરિ, કોલ્હાપુર, સોલાપુર, નંદૂરબાર, વર્ધા, અહમદનગર, બુલઢાણામાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. ફરી એક વખત ચોમાસું સક્રિય થયું હોવાને કારણે ખેતીના પાકને અમુક પ્રમાણમાં ફાયદો થયો છે. તો અમુક જગ્યાએ પાકને નુકસાન થયું છે.
ધુળેમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કાપૂસ, મકાઈ, બાજરી, મગ, અડદ અને મરચાના પાકને નુકસાન થયું છે. ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે.
ભારે વરસાદને કારણે કોયના બંધના દરવાજા ત્રણ ફૂટ છ ઈંચથી ખોલવામાં આવ્યા હતા. બંધમાંથી ૩૧,૭૦૦ ક્યુસેક્સ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાલ કોયનાના તમામ દરવાજા એક ફૂટ છ ઈંચ પર છે. અકોલા અને અમરાવતી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી પૂર્ણા નદીમાં પૂર આવ્યા છે. જોકે નાંદુરા, જળગાંવ જામોદ-બુહાનપુર હાઈવે બંધ પડી ગયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.