નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી, એનસીઆર, મધ્ય ભારત સહિત અન્ય રાજ્યોમાં ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા હતા, પરંતુ આજથી હીટવેવનો પ્રકોપ સમાપ્ત થયો છે. ભારત હવામાન વિભાગ (આઈએમડી) તરફથી આજે જણાવાયું હતું કે આજથી સમગ્ર ભારતમાં હીટવેવનો પ્રકોપ સમાપ્ત થયો છે અને આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં વાદળછાયા વાતાવરણની સાથે કરા પડવા, વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના અમુક રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
એપ્રિલ અને મે મહિનાની શરુઆતથી મોટાભાગના રાજ્યના લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે. જોકે, વિધિવત રીતે આજથી હીટવેવના પ્રકોપનો અંત આવ્યો છે, જ્યારે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. આમ છતાં હવામાન વિભાગ તરફથી ખાસ કરીને રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢ સહિત અન્ય રાજ્યમાં વાવાઝોડા અને વરસાદ અંગે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે આગામી બે-ત્રણ દિવસમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ પૂર્વ ભારતમાં તોફાન સાથે વરસાદ પડી શકે છે એવી આઈએમડીએ આગાહી વ્યક્ત કરી હતી.
આજે સવારે પાટનગર દિલ્હીનું હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. જોકે જેમ જેમ સવાર પડતી ગઈ તેમ તેમ સૂર્યનો તાપ પણ વધવા લાગ્યો હતો, પરંતુ આકાશમાં વાદળો છવાયેલા હોવાથી ગરમીનો પ્રકોપ વધુ અનુભવાયો ન હતો. મંગળવારે રાત્રે વાવાઝોડા અને ભારે પવનને કારણે આજે સવારના વાતાવરણને કારણે ગરમીમાં થોડી રાહત મળી હતી. ભયંકર ગરમીમાંથી લોકોને મુક્તિ મળી હતી. હવામાન વિભાગની આગાહીને કારણે મંગળવારે રાત્રે વાવાઝોડાં અને જોરદાર પવન સાથે દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદને કારણે હવામાં ઠંડક પ્રસરી હતી. બુધવાર સવારથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકોને ગરમ પવનોથી રાહત મળી હતી.
આગામી 6 દિવસ એટલે કે 29મી મે સુધી લોકોને ગરમીથી રાહત મળશે. હળવા પવન અને ઓછી ગરમીના કારણે વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. દિલ્હીમાં સવારે હવાની ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) 173 નોંધાયો હતો, જે હવે સાંજે 4 વાગ્યે AQI 160 પર નોંધાયો છે. જોકે, આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડાને કારણે લોકોને ભયંકર ગરમીમાંથી મુક્તિ મળી શકે છે, જ્યારે જૂનની શરુઆતમાં ચોમાસાનું આગમન થાય તો નવાઈ રહેશે નહીં, એવું અધિકારીએ જણાવ્યું હતું.