ઇમરાનને આગોતરા જામીન

દેશ વિદેશ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન ઇમરાન ખાનને ગયા અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાનીમાં એક રેલી દરમિયાન પોલીસ, ન્યાયતંત્ર અને અન્ય રાજ્ય સંસ્થાઓને ધમકાવવા બદલ તેમની સામે નોંધાયેલા આતંકવાદના કેસમાં ઇસ્લામાબાદ હાઇ કોર્ટે સોમવારે એમને ગુરુવાર સુધી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
એફઆઇઆરની નકલ અનુસાર ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમ (આતંકવાદનાં કૃત્યો માટે સજા)ની કલમ ૭ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ શનિવારે રાત્રે ઈસ્લામાબાદના મારગલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
ઇમરાનના વકીલોએ ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં તેના વતી ધરપકડ પૂર્વે જામીન મેળવવા અરજી કરી હતી. જસ્ટિસ મોહસિન અખ્તર કયાની અને જસ્ટિસ બાબર સત્તારની બે સભ્યોની બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. કાર્યવાહી દરમિયાન વકીલે દાવો કર્યો હતો કે ઈમરાનના ઘરને ઘેરી લેવામાં આવ્યું છે અને તે સંબંધિત કોર્ટનો સંપર્ક પણ કરી શકતો નથી.
દલીલો સાંભળ્યા પછી કોર્ટે પચીસ ઓગસ્ટ સુધી આગોતરા જામીન મંજૂર કર્યા અને ખાનને ત્યાં સુધીમાં સંબંધિત આતંકવાદ વિરોધી કોર્ટનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો હતો. ખાન વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે પાર્કમાં તેમની પાર્ટીની રેલીમાં ભૂતપૂર્વ વડા પ્રધાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સન્માનિત મહિલા એડિશનલ સેશન્સ જજને તેમનાં કાર્યો કરવાથી રોકવા અને દૂર રહેવાના હેતુથી આતંક ફેલાવ્યો હતો અને ધમકી આપી હતી. ખાન એપ્રિલમાં તેમની સરકારનું પતન થયું ત્યારથી સૈન્ય સહિત શક્તિશાળી સંસ્થાઓને નિશાન બનાવી ટીકા કરી રહ્યા છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.