ઝઘડાળુ દુકાનમાલિકથી કંટાળી ગઈ છું, મારો પોતાનો વ્યવસાય કરી શકું?

લાડકી

કેતકી જાની

સવાલ: હું એક દુકાનમાં જૉબ કરું છું. પણ છેલ્લા થોડા સમયથી દુકાનમાલિક બેનનું તોછડું વર્તન, સમયસર પગાર ના મળવો વગેરેને લીધે હું ડિસ્ટર્બ છું. આગામી થોડાં સમયમાં હું મારી જાતે કોઇ નાનો ધંધો કરવા માંગું છું. અહીં આઠ-દસ કલાક કામ કરીને પણ પ્રમાણમાં ખૂબ ઓછો પગાર મળે છે. મને થાય છે કે આટલી મહેનત બીજા માટે કરવા કરતાં મારા જ માટે કેમ ના કરું? તમને શું લાગે છે, હું કરી શકું નાનકડું સાહસ? કયા પ્રકારના નાના ધંધામાં ઓછી મૂડી ચાલે? આ અંગે થોડું માર્ગદર્શન આપો.
જવાબ: પ્રિય બહેન, તમે શું કામ ના કરી શકો સાહસ? મન મક્કમ હોય, દૃઢ સંકલ્પ હોય તો કંઇપણ અશક્ય લાગતું કામ શકય બને છે, તે નિર્વિવાદ હકીકત છે. ધીરુભાઇ અંબાણી, ઇંદુબેન ખાખરાવાળા જેવા અનેક ઉદાહરણો આપણી વચ્ચે મોજૂદ છે જ. ખેર, તમે એ નથી જણાવ્યું કે તમે કેટલું ભણેલા છો, જો ખબર હોત તમારો અભ્યાસ તો તેને લાગતી વળગતી સંદર્ભાધીન વાત કરત પરંતુ અહીં જનરલ સજેશન આપું છું. તમારે તમને મનગમતું ક્ષેત્ર હોય તેના વિશે સૌથી પહેલા વિચાર કરવાનો છે. તે ક્ષેત્રમાં કોઇ શકયતા હોય. કામધંધા માટે તો ઠીક નહીંતર બીજા અનેક એવા ક્ષેત્ર છે જેમાં તમે હાથ અને નસીબ બંને અજમાવી શકો છો. ઉપરાંત આજકાલ સ્ટાર્ટઅપ માટે પચાસથી લઇ દસ લાખ સુધીની લોન સુધ્ધાં મળે છે, તેની તપાસ કરો. તમે- ઘરમાં જગ્યા હોય તો ટયૂશન લઇ શકાય. શરૂઆતમાં નાના બાળકો અથવા તમને રસ પડે તેવા વિષયો માટે સોસાયટીમાં મુખોપ્રમુખ અને વૉટ્સઍપ ગ્રુપમાં લોકોને જાણ કરવી. ધીરે ધીરે બાળકો તમારા ઘરે ચોક્કસ આવશે. જો થોડા સમય બાદ તમને લાગે કે તમે આ જ કામનો વ્યાપ વધારી શકવાનું હેન્ડલ કરી શકો છો, ત્યારે નજીકમાં ક્યાંક જગ્યા ભાડે લઇ કોચિંગ ક્લાસ શરૂ કરી શકો. તમારા વિષયો સિવાયના વિષય માટે અન્ય લોકોને નિમંત્રિત કરી બાળકોને બધા જ વિષયોનું ટયૂશન એક જ સ્થળે મળે તેની વ્યવસ્થા કરી શકો. આજકાલ ઑનલાઇન કોચિંગ / ટયૂશનની પણ ખૂબ બોલબાલા છે. તમને જો ઠીક લાગે, ફાવે તો તે પણ કરી જ શકાય. ઉપરાંત ઑનલાઇન જ યોગા ઇન્સ્ટ્રક્ટર, ફીટનેસ ઇન્સ્ટ્રક્ટર, ડાન્સ શીખવવો જેવા વિવિધ કાર્યક્ષેત્ર તમારાં પ્રાવીણ્ય અને ઇન્ટરેસ્ટના ધોરણે નક્કી કરો, આમાં નહીંવત મૂડીની જરૂર પડશે-ડાન્સ / નૃત્યમાં પ્રાવીણ્ય હોય તો તેના કલાસ પણ ખોલી જ શકાય. જ્યાં રૂબરૂ રોજેરોજ વિવિધ બેચમાં અનેક બાળકો ચોક્કસ આવે, કારણ કે આજકાલ પાલકો પોતાના પાલ્ય વિવિધ કળામાં પારંગત થાય તેમ ઇચ્છતા જ હોય છે. તમે ઘરમાં બેબી સિટિંગ કરી શકો અને ઘરમાં પેટ (પાળતુ પ્રાણીઓ)નું સિટિંગ કરી શકો. આ બન્નેમાં કોઇ મૂડી નથી લાગવાની માત્ર સમય ફાળવો અને તમે સફળ થઇ જાવ તો આગળ મોટી જગ્યા લઇ કામનો વ્યાપ વધારી શકો, ભરપૂર પૈસા મળશે તે નક્કી. તમને રસોઇ બનાવવા/ખવડાવવાનો શોખ હોય તો ઘરે કુકિંગ ક્લાસ ખોલી શકાય. અહીં પણ લોકો વધે એટલે મોટી જગ્યામાં શિફટ થવાય. આ ઉપરાંત રોજ ટિફિન સર્વિસ આપવી અને ફૂડ રિલેટેડ અનેક ધંધા આ માટે વિચારી શકાય. જેમ કે રેડી ટુ ઇટ / તૈયાર નાસ્તા/ ફૂડ કોર્ટ, મોબાઇલ ફૂડ સર્વિસ જેવા અનેક ઑપ્શન છે. પહેલા ઘરમાં અને ગ્રાહક વધતા જગ્યા ભાડે લેવાના નિર્ણય સાથે બ્યુટીપાર્લર પણ શરૂ કરી શકાય. જો તમને રસ હોય તો, થોડી મૂડીમાં ચાલતા આ ધંધામાં કહેવાય છે કે ક્યારેય મંદી નથી આવતી. તમે વ્યવહારુ હોય, ઘરના દરેક પ્રસંગને રંગેચંગે ઉજવવામાં ખૂબ ઉત્સાહી તરીકે ઓળખ હોય તમારી તો ઘરબેઠા ગંગા જેવું કામ છે,‘ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ધસલટન્સી.’ લોકો આજકાલ દરેક પ્રસંગનો ભાર પોતાના માથે ના રાખતા આવા ઇવેન્ટ ક્ધસલટન્ટ રોકે છે, તે અંગે વિચારો, બ્લોગર તરીકે કામ કરો પોતાનું જ જો તમને લખવું ગમતું હોય તો, ઉપરાંત યુટયૂબ પર હજારો વ્યૂઅર લાવી શકે તેવા કોઇ ભન્નાટ આઇડિયા તમારી પાસે હોય તો તે અંગે જાત તપાસ કરો, ઇનશોર્ટ, તમારી અનુકૂળતા, બુદ્ધિક્ષમતા, તમારી નાણાકીય સ્થિતિ જેવા પાસાને નજરમાં રાખી પહેલા પોતાના ધંધા માટે તમામ તૈયારી કરી પછી જ નોકરી છોડજો. નહીં તો ક્યારેક આ હાથથી જાય ને બીજા હાથી આવે નહીં તેવું થાય. વિશ યુ બેસ્ટ લક.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.